સિક્યોરીટી ગાર્ડ નકલી પિસ્તોલ લઇને મહિલાના ઘરમાં લૂંટ કરવા આવ્યા હતા
કેન્સર અને ગર્ભ હોવાનું બહાનું બતાવતા મહિલા પર દુષ્કર્મ ન આચર્યું
આકાશ સિક્યોરીટી એજન્સીનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરીઃ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ખુલાસો
અમદાવાદ,શનિવાર
શહેરના શિલજ સર્કલમાં આવેલા સાફલ્ય રેનોનમાં પાંચ સિક્યોરીટી ગાર્ડ દ્વારા એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાના ઘરમાં ઘુસીને રૂપિયા ૩.૩૨ લાખની મત્તાની લૂંટ કરવાની સાથે મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મહિલાને ત્યાં કામ કરતી ઘરઘાટી યુવતી પર પાંચ આરોપીઓ પૈકી એક વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો ફરિયાદમાં થયો છે. સાથેસાથે આરોપીઓ મહિલાના ડરાવવા માટે રમકડાની પિસ્તોલ લઇને આવ્યા હતા. બીજી તરફ સિક્યોરીટી એજન્સીએ સિક્યોરીટી ગાર્ડનું રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોવાથી પોલીસ દ્વારા સિક્યોરીટી એજન્સીનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે શિલજમાં આવેલા સાફલ્ય રેનોન અને આસપાસમાં આવેલા એપાર્ટમેન્ટમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતા અમૃતપાલસિંગ , સુખવિંદરસિંગ અને મનજીતસિંગ તેમજ રાહુલસિંગ અને હરિઓમ ઠાકોર નામના પાંચ સિક્યોરીટી દ્વારા એપાર્ટમેન્ટમાં જ રહેતી એક મહિલાના ઘરમાં ઘુસીને ક્રેડીટ કાર્ડ, ડેબિર્કાર્ડ અને રોકડ તેમજ દાગીના મળીને રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતની મત્તાની લૂંટ કરી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ ઘરમાં ઘુસીને પહેલા તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાએ પોતાને કેન્સર અને ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા તેને છોડી દેવામાં આવી હતી પરંતુ, પાંચ આરોપી પૈકી એક આરોપીએ મહિલાન ત્યાં કામ કરતી ૧૯ વષીય યુવતી પર નજર બગાડી હતી અને તેને બીજા રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેના મો પર ટેપ મારીને દુષ્કર્મ આચર્યું હતું.
બીજી તરફ અન્ય આરોપીઓએ મહિલાને પિસ્તોલ બતાવીને ક્રેડીટ કાર્ડ
અને ડેબિટ કાર્ડનો પીન નંબર મેળવી લીધો હતો. બાદમાં પિસ્તોલ બાજુમાં મુકીને અન્ય મુદ્દામાલ
એકઠો કરતા હતા. તે સમયે મહિલાએ પિસ્તોલ હાથમાં
લીધી હતી. જો કે તે રમકડાની પિસ્તોલ હતી.
આ કેસની તપાસ કરી રહેલા ડીવાયએસપી નિલમ ગોસ્વામીએ તેમની ટીમ
સાથે મહિલા અને અન્ય પિડીતાનું નિવેદન લેવાની સાથે સ્થળ વિઝીટ કરીને સીસીટીવીથી માંડીને
જરૂરી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસ તપાસમાં બીજી વિગતો બહાર આવી હતી કે પાંચેય
સિક્યોરીટી ગાર્ડ આકાશ સિક્યોરીટીમાં નોકરી કરતા હતા પરંતુ,તમામ આરોપીઓનું રજીસ્ટ્રેશન
કરાવવામાં આવ્યું નહોતુ. જેથી પોલીસ દ્વારા સિક્યોરીટી એજન્સીનું લાયસન્સ રદ કરવાની
સાથે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથેસાથે તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હોવાનું
પણ પુછપરછમાં જાણવા મળ્યું છે.