ડૉ. વૈશાલી જોષી આત્મહત્યા મામલે પોલીસ મૃતકના પરિવારજનોનાં નિવેદન નોંધશે. PIની હજુભાળ નહી
કેસને લગતા પુરાવા તપાસ માટે એફએસએલમાં મોકલાયાઃ આત્મહત્યામાં વપરાયેલા ડ્રગ્સ અંગે તપાસ
અમદાવાદ,સોમવાર
ડૉ. વૈશાલી જોષીના આત્મહત્યા કેસમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસના અનુસંધાનમાં કેસને લગતા પુરાવા એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ મૃતક વૈશાલીના પરિવારજનોના નિવેદન નોધવા માટે પોલીસ તેના વતનમાં જશે. આ ઉપરાંત, વૈશાલી જોષીની આત્મહત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા ડ્રગ્સ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ડૉ.વૈશાલી જોષીની આત્મહત્યાને પાંચ દિવસ જેટલો સમય થયો હોવા છતાંય, તેના પરિવાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચર વિરૂદ્વ ગુનો નોંધવા માટે પોલીસનો સંપર્ક કરાયો નથી.
જો કે બીજી તરફ પોલીસે આ કેસને લઇને તપાસનો દૌર ચાલુ રાખ્યો છે. જેમાં આજે કેસ અનુસંધાનમાં મળેલા પુરાવાને ફોરેન્સીક લેબમાં મોકલી આપ્યા હતા. જેમાં તેની અંતિમ ચિઠ્ઠી, ઇન્જેક્શનનું બોક્સ, નીડલ, ડાયરી સહિતનો મુદ્દામાલનો સમાવેશ થાય છે. આ સાથે મૃતક વૈશાલી જોષીના પરિવારને અમદાવાદ આવીને નિવેદન કે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ દ્વારા સુચના આપવામાં આવી હતી. જો કે તેમના દ્વારા હજુ સુધી કોઇ પ્રતિભાવ મળ્યો નથી. ત્યારે આગામી બે દિવસમાં પોલીસ દ્વારા મૃતકના ઘરે જઇને નિવેદન નોંધવામાં આવશે.