Get The App

કાલુપુર રેલવે સ્ટેશન પર બોમ્બ મુકાયો હોવાના ફોનથી પોલીસ દોડતી થઈ

- ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડે તપાસ કરતા કંઈ વાંધાજનક વસ્તુ ન મળી: રેલવે પોલીસે આરોપીને ઝડપી લીધો

Updated: Aug 8th, 2019


Google NewsGoogle News
કાલુપુર રેલવે સ્ટેશન પર બોમ્બ મુકાયો હોવાના ફોનથી પોલીસ દોડતી થઈ 1 - image

અમદાવાદ, તા.8 ઓગસ્ટ 2019, ગુરૂવાર

કાલુપુર રેલવે સ્ટેશન પર બોમ્બ મુકાયો હોવાના ફોન પોલીસ કંટ્રોલરૃમને મળતા પોલીસ દોડતી થઈ હતી. જોકે પોલીસે તપાસ કરતા કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. આ અંગે પોલીસે  તપાસ કરીને આરોપીની ધરપકડ કરી હતી. જેમાં તે કવ્વાલી સિંગર હોવાનું બહાર આવ્યું હતું.આ બનાવની વિગત મુજબ શહેર પોલીસ કંટ્રોલરૃમને ૭ ઓગષ્ટના રોજ સાંજે કોઈ અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો.

જેમાં તેણે કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૨ પર બોમ્બ મુકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે તાત્કાલિક રેલવે પોલીસ ડોગ સ્ક્વોડ અને બીડીડીએસની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્લેટફોર્મનો ખુણેખુણો ચકાસવા છતા પોલીસને કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. જેને પગલે આ ફોન અફવા સાબિત થયો હતો.

બીજીતરફ રેલવે પોલીસે તપાસ હાથ ધરીને શાહઆલમમાં ચંડોળા તળાવ નજીક રહેતા મીરાસી ફારૃક નામના શખ્સની ધરપકડ કરી હતી. રેલવેના ડીઆઈડી ગૌતમ પરમારના જણાવ્યા મુજબ આરોપીના ફોન નંબરને આધારે તપાસ કરતા પહેલા પાલડી એનઆઈડી પાસેનું લોકેશન મળ્યું હતું. બાદમાં તેના ચંડોળા સ્થિત ઘરનું લોકેશન મળતા તેના ઘરેથી જ ઝડપી લેવાયો હતો.

પુછપરછમાં તે કવ્વાલી સિંગર હોવાનું અને અમદાવાદથી મહેમદાવાદ દરમિયાન ટ્રેનમાં કવ્વાલી ગાઈને પૈસા કમાતો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન તે મહેમદાવાદથી પરત અમદાવાદ આવ્યો ત્યારે રેલવે સ્ટેશન પર પોલીસનું સઘન ચેકિંગ જોઈને ફોન કરવાનો વિચાર આવ્યો હતો. બાદમાં તેણે મોબાઈલથી પોલીસ કંટ્રોલરૃમમાં પ્લેટફોર્મ નંબર-૨ પર બોમ્બ મુકાયો હોવાનો ફોન કર્યો હતો. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.


Google NewsGoogle News