પૂર્વમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા પોલીસ રોડ પર ઉતરી
- ઇશનપુરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા બાદ
- દિવાળીના તહેવારોએ કોરોનાને અમદાવાદમાં ફરી પાછી એન્ટ્રી અપાવી
અમદાવાદ,તા.12 નવેમ્બર 2021, શુક્રવાર
પૂર્વ અમદાવાદમાં ઇસનપુર ખાતે દેવ કાસ્ટલ ફ્લેટ-૧ના ૨૦ મકાનોને માઇક્રો કન્ટેનમેન્ટ્ ઝોન જાહેર કરી દેવાતા પૂર્વમાં ફરી પાછો કોરોનાનો ભય પ્રસરી ગયો છે. ખોખરા અને મણિનગર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે અને જવાહર ચોક, જશોદાનગર ચોકડી સહિતના વિસ્તારોમાં વાહનચાલકોને રોકીને ફરજિયાત માસ્ક પહેરવા અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યા છે. લોકો હજુ બહાર ગામ ફરીને આવ્યા બાદ સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. દિવાળી પહેલા અમદાવાદમાં કોરોનાના કેસ સાવ શૂન્ય થઇ ગયા હતા જે હવે પાછા વધવા માંડતા મ્યુનિ.તંત્ર અને પોલીસ તંત્ર સતર્ક બની ગયુ છે.
ઇશનપુરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા બાદ હેલ્થ વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી આરંભી દેવાઇ છે. શહેર પોલીસ પણ સતર્ક બનીને રોડ પર ઉતરી આવી છે અને માસ્ક ન પહેરનારા લોકોને માસ્ક પહેરવા અપીલ કરી રહી છે.
ઇસનપુર, ખોખરા, અમરાઇવાડી, મણિનગર, જશોદાનગર, રામોલ, ઘોડાસર સહિતના વિસ્તારોમાં પોલીસે કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરાવવા માટે કમર કસી છે.
હાલની વાસ્તવિકતા એ છેકે લોકો કોરોનાને ભુલી ગયા છે. માસ્ક પણ પહેરતા નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝરને પણ ધ્યાને લેતા નથી. બજારમાં બિન્ધાસ્ત હરીફરી રહ્યા છે. કોરોનાની રસી મુકાવી દીધી છે ચિંતા નથી તેવા વહેમમાં રહીને લોકો ધાર્મિક યાત્રાઓ પણ કરી રહ્યા છે. ટોળામાં જઇ રહ્યા છે. આ સ્થિતિ અમદાવાદમાં કોરોના સંક્રમણને ખુલ્લું આમંત્રણ આપવા જેવી સાબિત થશે તેવું લાગી રહ્યું છે.