માધુપુરા સટ્ટાકાંડમાં ૫૫ લાખની તોડબાજીના પુરાવાને આધારે કાર્યવાહી
તત્કાલિન પીઆઇ તરલ ભટ્ટને બીજી વાર સસ્પેન્ડ કરાયા
નિર્લિપ્ત રાયે સોંપેલા રિપોર્ટ બાદ ડીજીપીએ સસ્પેન્ડ કર્યા અગાઉ જુનાગઢ તોડકાંડમાં સસ્પેન્શન કરવામાં આવ્યું હતું
અમદાવાદ,
ગુરૂવાર
જુનાગઢ તોડકાંડના આરોપી અને તત્કાલિન પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને રાજ્ય પોલીસ વડાએ બીજી વાર સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. જુનાગઢ તોડકાંડમાં સસ્પેન્ડ કરાયા બાદ તરલ ભટ્ટે માધુપુરા સટ્ટાકાંડમાં તોડબાજી કર્યાના પુરાવા સાથેનો રિપોર્ટ મળતા ડીજીપીએ બીજીવાર સસ્પેન્ડ કરવાનો આદેેશ આપ્યો હતો. તરલ ભટ્ટની સાથે તેમની સાથે અગાઉ પીસીબીમાં ફરજ બજાવતા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જુનાગઢ સટ્ટાબેટિંગના કેસમાં એકાઉન્ટ ફ્રીઝ કરીને તોડ કરવાના કેસના આરોપી અને તત્કાલિન પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ સામે વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જો કે અગાઉ જુનાગઢ તોડકાંડમાં પણ તેમને સસ્પેન્ડ કરાયા હતા. આમ, એક જ અધિકારી બે અલગ અલગ ગુનાનાં સસ્પેન્ડ થયાનું સામે આવ્યું છે. તરલ ભટ્ટ અમદાવાદમાં પીસીબીમાં ફરજ બજાવતા હતા તે સમયે તેમણે માધુપુરા વિસ્તારમાંથી રૂપિયા બે હજાર કરોડથી વધારેનું સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગનું મોટું નેટવર્ક પકડયું હતું. આ કેસની તપાસ કરી રહેલી વિશેષ ટીમમાં તેમને રાખીને તપાસ કરવામાં આવી રહી હતી. આ સમયે તરલ ભટ્ટ અને તેમના સ્ટાફની શંકાસ્પદ હરકત અંગે ડીજીપીને જાણ કરવામાં આવી હતી. જેથી પુરાવાના આધારે તેમણે સ્ટેટ મોનીટરીંગ સેલના એસ પી નિર્લિપ્ત રાયને તપાસ સોંપી હતી. જેમાં તરલ ભટ્ટે ૫૫ લાખ રૂપિયાનો તોડ કર્યાના પુરાવા પણ સામે આવ્યા હતા. જે બાદ તરલ ભટ્ટની બદલી જુનાગઢના માણાવદરની સર્કલ પીઆઇ તરીકે કરવામાં આવી હતી. બીજી તરફ માધુપુરા કેસની તપાસનો રિપોર્ટ ડીજીપીને મળતા તેમણે તરલ ભટ્ટને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત, તેમની સાથે અગાઉ પીસીબીમાં ફરજ બજાવતા તુષારદાન ગઢવી, નૌશાદઅલી અને રણજીતસિંહને પણ સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો હતો. આમ, તરલ ભટ્ટને બે વાર સસ્પેન્ડ કરવામાં આવતા આ મુદ્દો પોલીસ બેડામાં ચર્ચાનો ચર્ચાનો વિષય બન્યો છે.