વિરમગામના રક્ષિત મુનસર તળાવની દુર્દશા : પુરાતત્વ વિભાગ ઘોર નિંદ્રામાં
- શહેરની આનબાનશાન તળાવની બદતર હાલત
- તળાવમાં લીલના થર જામ્યા : ગંદકી અને ગાંડા બાવળોના સામ્રાજ્યથી રહીશો તોબા
આ તળાવની મધ્યમાં નુસરી માતાજી અને વડલાવાળા મેલડી માતાજીનું મંદિર આવેલ છે. દર રવિવારે મોટી સંખ્યામાં દૂર દૂરથી ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે. હાલ આ તળાવની અંદર લીલ, ગંદકી, કચરાથી ખદબદી રહ્યું છે. આ તળાવની ફરતે નગરજનોને હરવા ફરવા મોર્નીંગવોક માટે તળાવની ફરતે વોક વે બનાવેલ છે. દરરોજ સવાર સાંજ નગરજનો હરવા ફરવા આવે છે ત્યારે લીલ અને કચરાના કારણે દુર્ગંધ મારે છે. રાત્રીના સમયે પવન જે દિશામાં હોય ત્યારે શહેરમાં આની દુર્ગંધ આવે છે. તળાવના ફરતે ગાંડા બાવળ તળાવમાં ઉતરવાના રસ્તે કચરો, જુના કપડા, દારૂની ખાલી થેલીઓ જોવા મળે છે. તળાવના પગથીયા ઉપર કચરો સુકાયેલ પડેલ છે. ગંદકીના કારણે દર્શનાર્થીઓને મોઢે રૂમાલ દેવો પડે છે.
૧૧માં સૈકામાં સોલંકી શાસન દરમ્યાન બંધાયેલ જળસંચય અને સ્થાપત્ય કલાના અજોડ નમૂના રૂપ અને ધાર્મિક, સાંસ્કૃતિક અને પર્યાવરણના વારસના પ્રતિકરૂપ મુનસર તળાવનું પુનરૂત્થાન અને સુશોભન ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી જોવાલાયક સ્થળ તરીકે વિકસાવવાનું તા. ૨૬/૧૦/૨૦૦૨ના રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આજે ૧૯ વર્ષના વાણા વીતી ગયા છતાં આ ઐતિહાસિક મુનસર તળાવનું કામ પૂર્ણ થયું નથી અને કાચબા ગતિએ કામ થઇ રહ્યું છે.
૧૮ વર્ષમાં કેટલાય ધારાસભ્યો અને સંસદસભ્યો ચૂંટાઇને આવ્યા પણ આ ઐતિહાસિક મુનસર તળાવને જોવાલાયક સ્થળ તરીકે જાહેર કરી દીધું પણ જોવાલાયક સ્થળ તરીકે ક્યારે વિકાસ પામશે તે તો આવનાર સમય બતાવશે.