એન્ટિક હીરા ચોરીની તપાસ એજન્સીને સોંપવા પિટિશન
પાલનપુરના મણિભુવનની તિજોરીમાંથી ચોરી થઇ હતી
બનાસકાંઠા પોલીસ યોગ્ય રીતે તપાસ ન કરી હોવાનો લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીનો આક્ષેપ
અમદાવાદ,
શુક્રવાર
મુંબઇની લીલાવતી હોસ્પિટલ સંચાલિત પાલનપુરની મણિભુવન
હોસ્પિટલની તિજોરીમાંથી એન્ટિક હીરા-ઝવેરાત ચોરી થવાના કેસની તપાસ ખાસ એજન્સીને
સોંપવા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીનો
આક્ષેપ છે કે બનાસકાંઠા પોલીસ આ કેસની તપાસ યોગ્ય રીતે કરી રહી નથી. કોર્ટે રાજ્ય
સરકાર અને જિલ્લા પોલીસ વડા સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી આગામી સુનાવણી ૨૫મી
નવેમ્બરના રોજ નિયત કરી છે.
મુંબઇની લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટી પ્રશાંત કિશોર મહેતાએ
હાઇકોર્ટમાં રજૂઆત કરી છે કે હોસ્પિટલના ગેરકાયદે ટ્રસ્ટી બોર્ડ દ્વારા પાલનપુરના
મણિભુવનમાં રાખવામાં આવેલા ભોંયરાની તિજોરી તોડી ૪૫ કરોડ રૃપિયાના એન્ટિલ
હીરા-ઝવેરાતની ચોરી કરવામાં આવી છે. આ હીરા તેમના દાદાની માલિકીના હતા. ચોરી અંગે
પોલીસે ફરિયાદ ન નોંધતા હાઇકોર્ટ તેમજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરવાની ફરજ પડી
હતી.
મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ બનાસકાંઠા પોલીસે ફરિયાદ
નોંધી છે પરંતુ સ્થાનિક પોલીસનું વલણ આ કેસમાં નીરસ લાગી રહ્યું છે. જેનાં કારણે
તપાસ આગળ વધી રહી નથી. તેથી આ કેસની તપાસ કોઇ ખાસ એજન્સીને સોંપવાનો આદેશ
હાઇકોર્ટે કરવો જોઇએ. કોર્ટે રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસવડાને જવાબ રજૂ કરવા
નિર્દેશ આપ્યો છે.