હાઇ-વેના પાણી વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં એ માટે વરસાદી કાંસ બનાવવા આયોજન
Vadodara Corporation Rain Water : વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં હાઇ-વે બાયપાસનું પાણી ચોમાસા દરમિયાન વડોદરા શહેરમાં પ્રવેશ કરે છે તેને અટકાવવા માટે હાઇ-વેને પેરેરલ વરસાદી કાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે તે વહેલી તકે પૂર્ણ થાય તે માટે કોર્પોરેશન નું તંત્ર એક્શનમાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખી આજે સ્થળ સ્થિતિની સમીક્ષા કરવા સ્થાયી સમિતિના અધ્યક્ષ અને અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
કોર્પોરેશન દ્વારા હાલ પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી પ્રિમોન્સૂનની કામગીરીને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. તેમજ આગામી 10 થી 15 દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે તેમ જણાવ્યું હતું.
શહેરમાં ઇલેક્શનની આચાર સંહિતા ચાલે એની પહેલા પ્રિમોન્સૂનની કામગીરીના જે ટેન્ડરો હતા. જેમાં ખાસ કરીને, વરસાદી ગટરોની સાફસફાઈ, ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય અને જે મશીનના ઇજારા હતા, આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. શહેરમાં હાલ પ્રિમોન્સૂનની કામગીરી પૂરજોસમાં ચાલી રહી છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડોદરામાં ઓજી વિસ્તાર આવેલો છે તેમાં પણ ડ્રેનેજ, રસ્તાના કામો, વરસાદી ગટરના કામ, પાણીની નળીકાના કામો ચાલી રહ્યા છે. મોટા વિકાસના કામો ચાલતા હોય અને માથે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે તમામ કામોના ફાઈનલ સ્ટેજ આવી જાય. જેથી કરીને રસ્તાઓ સમતલ બને અને વાહન ચાલકોને, લોકોને મુશ્કેલી ન પડે તે માટે કોર્પોરેશને 15 દિવસનો ડ્રાઈવ લીધો છે. છેલ્લા ત્રણ દિવસથી અલગ-અલગ ઝોનની મુલાકાત કરવામાં આવી રહી છે.
પ્રિમોન્સૂનની કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ થઈ રહ્યું છે.પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ સાથે વાત કરતા વરસાદી ગટરની કેચપીટ અને ગટર લાઈનની સાફ-સફાઈ 75% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એવી જ રીતે, પૂર્વ વિસ્તારમાં હાઇવેને સમાંતર સાડા ચાર કિલોમીટરનો કાચો કાંસ બનાવવામાં આવ્યો છે. દક્ષિણ ઝોનમાં ચાર કિલોમીટર કુલ મળીને 8.30 કિલોમીટરનો કાચો કાંસ હાઇવેને સમાંતર બનાવ્યો છે. દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે. લગભગ 150 થી 200 મીટરનું કામ બાકી છે. જે આવનારા 10 થી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. હાઇવે ઉપરથી જે પાણી આવે છે એને વહી જવા માટેની આપણને સગવડ મળી રહેશે. જેથી કરીને હાઇવેના પાણી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં. એવી રીતે પૂર્વ વિસ્તારમાં એલએન્ડટી નોલેજ સીટીથી લઈને હાઈવે વાઘોડિયા ચાર રસ્તા સુધી પાકી ત્રણ બાય ત્રણની વરસાદી ચેનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આવનારા પંદર દિવસમાં દીવાલો બની જાય અને ચેનલ તૈયાર થઈ જાય, જેથી કરીને ચેનલમાં રાબેતા મુજબ પાણી ભરી શકે એ પ્રમાણેની સૂચના કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓને આપી દેવામાં આવી ગઈ છે. સ્લેબ કદાચ બાકી રહે તો એ ચોમાસા પછી ભરવામાં આવશે.