Get The App

ધરણીધર બ્રીજ પર બાંધેલી દોરી સાથે અથડાતા ડોક્ટર યુવતીને ઇજા

શુટીંગ દરમિયાન ફિલ્મ પ્રોડયુસરની બેદરકારી

પાલડી પોલીસે સ્ટોરીટેલ ફિલ્મના પ્રોડયુસર શાશ્વત શાહ વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
ધરણીધર બ્રીજ પર બાંધેલી દોરી સાથે અથડાતા ડોક્ટર યુવતીને ઇજા 1 - image

અમદાવાદ,સોમવાર

શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને એસવીપી હોસ્પિટલમાં તબીબ તરીકે સેવા આપતા યુવતી ધરણીધર બ્રીજ તરફ જઇ રહી હતી ત્યારે તે બ્રીજ સાથે બાંધેલી દોરીથી અથડાતા નીચે પટકાઇ હતી. જેમાં તેને ઇજાઓ પહોંચી હતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સ્ટોરીટેલ ફિલ્મના પ્રોડયુસરે ફિલ્મના શુટીંગ માટે બ્રીજ પર  બેરીકેટ કે અન્ય વ્યવસ્થા કરવાને બદલે બ્રીજ પાસે દોરી બાંધતા અકસ્માત સર્જાયો હતો. આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. શહેરના આંબાવાડીમાં આવેલા શ્રુતિ  એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયા ઠક્કર  એલિસબ્રીજ  એમએચએલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવાની સાથે એસવીપી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપે છે.ગત ૪ ઓગસ્ટના રોજ વહેલી સવારે તે વાસણાથી જીવરાજ હોસ્પિટલથી ધરણીધર બ્રીજ તરફ સ્કૂટર પર જતા હતા ત્યારે અચાનક બ્રીજ સાથે બાંધેલી દોરી સાથે અથડાતા નીચે પટકાયા હતા. જેમાં તેમને માથાના ભાગે ઇજાઓ થતા સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જેમાં સાત થી આઠ ટાંકા આવવાની સાથે ઇજાઓ પહોંચતા દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે સ્ટોરીટેલ ફિલ્મના પ્રોડયુસર શાશ્વત શાહ (રહે. સવિતા સોસાયટી, નારણપુરા)એ શુટીંગ માટે પરવાનગી માંગી હતી. પરંતુ, શુટીંગ સમયે જરૂરી નિયમોનું પાલન નહી કરીને બ્રીજના રસ્તાને બ્લોક કરવા માટે બેરીકેટ અન્ય વ્યવસ્થા કરી નહોતી. જેથી આ અંગે પ્રિયા ઠક્કરે પાલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.


Google NewsGoogle News