ધોળકા તાલુકામાં કાયમી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી મૂકો
- બન્ને મહત્વની જગ્યાઓ પર ઈન્ચાર્જની અધિકારી
- હાલ અધિકારીઓ ઈન્ચાર્જમાં હોવાથી અરજદારોના કામો અટવાતા વેઠવી પડતી ભારે હાલાકી
બગોદરા : અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકામાં મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીની કાયમી નિમણુંક ન હોવાથી હાલ ઈન્ચાર્જ અધિકારીઓ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે પરંતુ આ અધિકારીઓ અઠવાડીયામાં માત્ર એક-બે વખત મુલાકાત લેતા હોય અનેક અરજદારોને હાલાકી પડી રહી છે અને ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે ત્યારે ધોળકા શહેર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે મહેસુલ મંત્રી કૌશીકભાઈ પટેલને લેખીત રજુઆત કરી હતી.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા ૬-૭ મહિનાથી ધોળકા તાલુકામાં નિયામીત મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારીની નિમણુંક થયેલ નથી અને હાલમાં અન્ય અધિકારીએ ચાર્જ સંભાળેલ હોય અઠાવાડીયામાં માત્ર એક કે બે વાર તાલુકાની મુલાકાત લેતાં હોય ધોળકા તાલુકાના અરજદારોને અવાર-નવાર ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે અને સમયસર અરજીઓનો નિકાસ પણ થતો નથી આથી કાયમી તેમજ રેગ્યુલર મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવે તેવી માંગ કરી હતી અને આ અંગે આગામી એક મહિનામાં નિમણુંક નહિં કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.