ડબલ જંત્રીએ સરકારી તિજોરી ભરી દસ્તાવેજો માટે લોકોએ ૧૩૫૪ કરોડ ચૂકવ્યા
વર્ષ-૨૦૨૨માં સ્ટેમ્પ ડયૂટી અને નોંધણી ફી પેટે રૃા.૧૦૦૮ અને ૨૦૨૩માં ૧૩૫૪ કરોડની વસૂલાત
વડોદરા, તા.17 વડોદરા શહેર તેમજ જિલ્લામાં સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંઘણીની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વર્ષ-૨૦૨૨માં કુલ ૧૧૯૬૦૦ દસ્તાવેજોની નોંધણી થઇ હતી તેની સામે વર્ષ ૨૦૨૩માં નોંધણીની સંખ્યા વધીને ૧૩૨૬૯૨ થઇ ગઇ છે. આ સાથે જ નોંધણી ફી તેમજ સ્ટેમ્પ ડયૂટી પેટે પણ લોકોએ કરોડો રૃપિયા ચૂકવીને સરકારની તિજોરી ભરી દીધી છે. ડબલ જંત્રીના અમલ બાદ સરકારી તિજોરીમાં આવતી રકમમાં સતત વધારો થયો હતો.
વડોદરામાં કુલ ૧૫ સબ રજિસ્ટ્રાર કચેરીઓ આવેલી છે. આ કચેરીઓમાં મિલકતોના દસ્તાવેજ ઉપરાંત પાવર ઓફ એટર્ની, લગ્નની નોંધણી સહિત વિવિધ પ્રકારના દસ્તાવેજોની નોંધણી થાય છે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રોપર્ટીના દસ્તાવેજોની નોંધણી માટે જંત્રીની રકમ અથવા ્અવેજની રકમ બંનેમાંથી જે વધારે હોય તેના ૪.૯ ટકા સ્ટેમ્પડયૂટી વસૂલાતી હોય છે તેમજ દસ્તાવેજ નોંધણી માટે એક ટકો રજિસ્ટ્રેશન ફી અવેજની રકમ ઉપર લેવામાં આવે છે. જો કે રજિસ્ટ્રેશન ફીમાં મહિલાઓને મુક્તિ આપવામાં આવી છે.
વડોદરા શહેરમાં કુલ સાત સબ રજિસ્ટ્રાર કચેરીઓ આવેલી છે જેમાં વિવિધ પ્રકારના દસ્તાવેજોની નોંધણી થાય છે આ ઉપરાંત વડોદરા ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાએ પણ સબ રજિસ્ટ્રાર કચેરીઓ છે જેમાં દસ્તાવેજોનુ રજિસ્ટ્રેશન કરાય છે. વડોદરાની ૧૫ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગયા વર્ષની માફક સૌથી વધુ દસ્તાવેજો અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં થયા છે જ્યારે સૌથી ઓછા દસ્તાવેજ ડેસર સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા છે.
સુત્રોના જણાવ્યા મુજબ વડોદરાની ૧૫ સબ રજિસ્ટ્રાર કચેરીમાં વર્ષ-૨૦૨૨માં કુલ ૧૧૯૬૦૦ દસ્તાવેજોની નોંધણી થઇ હતી તેની સામે વર્ષ-૨૦૨૩માં ૧૩૨૬૯૨ દસ્તાવેજોની નોંધણી થઇ છે. દસ્તાવેજોની નોંધણી ફી પેટે વર્ષ-૨૦૨૨માં રૃા.૧૫૪.૧૯ કરોડ રકમ સરકારી તિજોરીમાં જમા થઇ હતી તેની સામે વર્ષ-૨૦૨૩માં આ રકમમાં વધારો થતા રૃા.૨૦૨.૪૭ કરોડ આવક થઇ હતી. વડોદરાને સ્ટેમ્પડયૂટીની રૃા.૮૫૪.૩૩ કરોડની આવક વર્ષ-૨૦૨૨માં થઇ હતી તેની સામે વર્ષ-૨૦૨૩માં વધારા સાથે આ આવક રૃા.૧૧૫૧.૭૬ કરોડ નોંધાઇ છે.