Get The App

વડોદરામાં કારેલીબાગ સ્મશાન ગૃહની રીનોવેશનની કામગીરીના કારણે અંતિમવિધિમાં આવતા લોકોને મુશ્કેલી

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
વડોદરામાં કારેલીબાગ સ્મશાન ગૃહની રીનોવેશનની કામગીરીના કારણે અંતિમવિધિમાં આવતા લોકોને મુશ્કેલી 1 - image


- ચિતાની સંખ્યા ઘટાડી દેતા અંતિમ વિધિ માટે વેઇટિંગમાં ઊભું રહેવું પડે છે

- ખુલ્લી જગ્યામાં કામ ચલાઉ ચિતા વધારી શકાય 

- હેરાન ન થવું પડે તે માટે શહેરના બીજા સ્મશાન ગૃહોનો ઉપયોગ કરવા અપીલ કરાઈ

- કારેલીબાગ સ્મશાન ગૃહનું કામ દોઢેક વર્ષ ચાલશે

વડોદરા,તા.6 જાન્યુઆરી 2024,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાનગૃહની ઓગસ્ટ મહિનાથી 15.50 કરોડના ખર્ચે રીનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દોઢેક વર્ષ ચાલશે. જેના કારણે સ્મશાન ગૃહમાં મૃતદેહ બાળવા માટે ચિતાની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે, પરિણામે સ્મશાને અંતિમવિધિ માટે આવતા લોકોને ખૂબ તકલીફ પડી રહી છે, અને ઘણી વખત વેઇટિંગમાં ઊભું રહેવું પડે છે.

વડોદરામાં કારેલીબાગ સ્મશાન ગૃહની રીનોવેશનની કામગીરીના કારણે અંતિમવિધિમાં આવતા લોકોને મુશ્કેલી 2 - image

દરમિયાન કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેનના કહેવા મુજબ હાલ નવા સ્મશાન ગૃહની કામગીરી ચાલતી હોવાથી ચિતાની સંખ્યા ઓછી થઈ છે. બીજી બાજુ લોકોએ પણ આ સ્થિતિમાં ખોટી હેરાનગતિ ભોગવી ન પડે તે માટે કારેલીબાગ સ્મશાને આવવાનો આગ્રહ રાખવાના બદલે શહેરના જે બીજા સ્મશાન ગૃહો છે, ત્યાં અંતિમ વિધિ માટે જવું જોઈએ. જેથી ત્યાં અંતિમવિધિ શાંતિપૂર્ણ કરી શકે. શહેરમાં આ સિવાય વડી વાડી, રામનાથ, હરણી, દંતેશ્વર, તરસાલી, માંજલપુર, ગોરવા, ગોત્રી, વાસણા વગેરે સ્થળે સ્મશાન ગૃહો આવેલા છે ત્યાં અંતિમવિધિ માટે જઈ શકાય તેમ છે. જે તે સમયે કારેલીબાગ સ્મશાન ગૃહની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે કોર્પોરેશન દ્વારા લોકોને વૈકલ્પિક સ્મશાન ગૃહોનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો. જે દિવસે કામગીરી ચાલુ કરી ત્યારે ઉપસ્થિત અગ્રણીઓએ પણ કહ્યું હતું કે સમાજના તમામ વર્ગને કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અગવડતા પડશે. ખાસ કરીને મરાઠી સમાજને વધુ અગવડતા પડશે. કારણ કે મરાઠી સમાજ પરંપરાગત રીતે અંતિમ વિધિ આ સ્મશાન ખાતે કરે છે. આજે કારેલીબાગ સ્મશાન ગૃહ ખાતે અંતિમવિધિ માટે આવેલા લોકો હેરાન થયા ત્યારે લોકોએ કહ્યું હતું કે અહીં પાછળ ખુલ્લી જગ્યા છે અને ત્યાં અંતિમવિધિ માટે કામ ચલાઉ ધોરણે ચિતા વધારી શકાય તેમ છે, કારણ કે હાલ અહીં છ ચિતા જ કાર્યરત છે. ગેસ ચિતા બંધ છે. કારેલીબાગ સ્મશાનના રીનોવેશન બાદ અહીં જે મોક્ષ ધામ આકાર લેશે તેમાં 12 લાકડાની અને બે ગેસ ચિતા બનશે.


Google NewsGoogle News