વોશીંગ મશીનની આડમાં લઇ જવાતો રૂ.૧૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પીસીબીની નાના ચિલોડા સર્કલ પાસે કાર્યવાહી
પંજાબથી દારૂનો અસલાલી સર્કલ લઇ જવામાં આવી રહ્યો હતોઃ અગાઉ પણ દારૂનો જથ્થો સપ્લાય થયાની આશંકા
અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદ પોલીસના પીસીબીના સ્ટાફે બુધવારે રાતના સમયે નાના ચિલોડા સર્કલથી નરોડા જીઆઇડીસી પાસે બાતમીને આધારે દરોડો પાડીને વોશીંગ મશીનની આડમાં લઇ જવામાં આવી રહેલો રૂપિયા ૧૭ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ દારૂ પજાબથી લોડ કરીને અસલાલી સર્કલ સુધી પહોંચાડવા માટેની સુચના ડ્રાઇવરને આપવામાં આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.પીસીબીનો સ્ટાફ બુધવારે રાતના સમયે પેટેલીંગમાં હતો. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરીને બાતમી મળી હતી કે નાના ચિલોડા સર્કલથી એક એક કન્ટેઇનરમાં દારૂનો મોટો જથ્થો અસલાલી સર્કલ તરફ લઇ જવાનો છે. જેના આધારે સ્ટાફે વોચ ગોઠવીને એક શંકાસ્પદ કન્ટેઇનરને રોકવાની સુચના આપી હતી. જો કે ડ્રાઇવરે સ્પીડ વધારી હતી. જેથી પીછો કરીને નરોડા જીઆઇડીસી પાસે કન્ટેઇનરને રોકીને પુછપરછ કરતા ડ્રાઇવરે વોશીંગ મશીનનો સ્ટોક હોવાની વાત કરી હતી. જો કે તપાસ કરતા વોશીંગ મશીનની આડમાં છુપાવવામાં આવેલી રૂપિયા ૧૭ લાખની કિંમતની વિદેશી દારૂ અને બિયરની ૭૩૦૦ જેટલી બોટલો મળી આવી હતી. આ અંગે પુછપરછ કરતા ડ્રાઇવરનું નામ પુરારામ જાટ (રહે.બાડમેર, રાજસ્થાન) અને ક્લીનરનું નામ ધર્મારામ જાટ હોવાનું જાણવા મળ્યું હતું. દહેરાદુનથી વોશીંગ મશીનનો જથ્થો લઇને પંજાબ આવ્યા બાદ ત્યાંથી જુજારામ નામના બુટલેગરે દારૂનો જથ્થો ભરાવ્યો હતો અને અસલાલી સર્કલ પાસે પહોંચીને એક મોબાઇલ પર કોલ કરીને દારૂનો જથ્થો સપ્લાય કરવા માટે સુચના આપી હતી. આ અંગે પોલીસે ૧૭ લાખની કિંમતનો દારૂ, ૧૦૨ વોશીંગ મશીન, ટ્ક સહિત કુલ ૫૩ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.