રીક્ષામાં મ્યુઝીક સિસ્ટમમાં દારૂ છુપાવીને મોટાપાયે હેરફેરનો પર્દાફાશ
પીસીબી દ્વારા ચાંદખેડા-નરોડામાં કાર્યવાહી
ચાંદખેડા સારથી બીઆરટીએસ પાસે કારમાં દારૂ લઇને આવી રહેલા યુવકને ઝડપીને લેવામાં આવ્યો
અમદાવાદગુરૂવાર
પ્રિવેન્શન ઓફ ક્રાઇમબ્રાંચના સ્ટાફ દ્વારા શહેરના ચાંદખેડા અને નરોડા સરદાપ પટેલ રીંગ રોડ પરથી દારૂનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરી છે. જેમાં નરોડા એસ પી રીંગ રોડ પર પોલીસે પેસેન્જર રીક્ષાની આડમાં મ્યુઝીક સિસ્ટમ અને સીટ નીચે બનાવવામાં આવેલા ખાસ ખાનામાં દારૂના મોટા જથ્થાને ર્છેલ્લાં અઢી વર્ષથી નિયમિત રીતે અમદાવાદમાં લાવવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે. આમ દારૂની હેરફેરની નવી જ મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે. પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરીને માહિતી મળી હતી કે પેસેન્જર રીક્ષામાં નરોડા સરદાર પટેલ રીંગ રોડ ટોેલનાકાથી નિયમિત રીતે શહેરમાં દારૂનો જથ્થો લાવવામાં આવે છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને બુધવારે એક સીએનજી રીક્ષાને શંકાને આધારે રોકી હતી. જો કે તપાસ કરતા પોલીસને કઇ શંકાસ્પદ મળી આવ્યું નહોતુ. પરંતુ, ચોક્કસ માહિતી હોવાથી રીક્ષામાં લગાવવામાં આવેલી મ્યુઝીક સિસ્ટમમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસને મ્યુઝીક સિસ્ટમમાં છુપાવવામાં આવેલી દારૂની બોટલો મળી આવી હતી. તેમજ પેસેન્જરની સીટ નીચે પણ એક ખાનામાંથી દારૂ મળી આવ્યો હતો. આ અંગે રીક્ષાચાલક સંજય ચૌહાણની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લાં અઢી વર્ષથી આ મોડ્સ ઓપરેન્ડીથી દારૂ છુપાવીને બનાસકાંઠાના દાંતીવાડાથી લાવતો હતો. કોઇને શંકા ન જાય તે માટે ઓછા ભાડામાં પેસેન્જરને બેસાડતો હતો. આ અગાઉ તેની રીક્ષા અનેકવાર વાહનચેકિંગ સમયે તપાસવામાં આવી હોવા છતાંય, પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો નહોતો. જે અંગે વધુ પોલીસે વધુ તપાસ શરૂ કરવામાં આવ્યો હતો. તો અન્ય બનાવમાં ચાંદખેડામાં સારથી બીઆરટીએસ બસ સ્ટેશન પાસેથી એક કારમાંથી દોઢ લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે કાર્તિક જાદવ (રહે.સાબરબાગ સોસાયટી,ધર્મનગર,સાબરમતી)ની રૂપિયા ૧૧.૫૦ લાખની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે.