લોડીંગ ટેમ્પામાં ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરફેર કરવાનું કૌભાંડ ઝડપાયું
સૈજપુર વિસ્તારમાં પોલીસનો દરોડો
અન્ય બનાવમાં ઓઢવ રાજેન્દ્ર પાર્ક રોડ પર કારનો પીછો કરી ત્રણ ચાર લોકોને દારૂ-બિયરના જથ્થા સાથે ઝડપી લેવાયા
અમદાવાદ,સોમવાર
શહેરના વિવિધ વિસ્તારોમાં બુટલેગર દ્વારા લોડીંગ ટેમ્પામાં ગુપ્તખાના બનાવીે નિયમિત રીતે દારૂ સપ્લાય કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. પીસીબીના સ્ટાફે સૈજપુર વિસ્તારમાં દરોડો પાડીને એક લોડીંગ રીક્ષામાં છુપાવેલા દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. અન્ય બનાવમાં ઓઢવ રાજેન્દ્ર પાર્ક રોડ પર બાતમીના આધારે એક કારનો પીછો કરીને દારૂ આપવા આવેલા ત્રણ લોકોને ઝડપી લેવાયા હતા. અમદાવાદમાં કેટલાંક બુટલેગરો રીંગ રોડ કે અન્ય વિસ્તારમાં દારૂ લાવીને તેને અન્ય શહેરના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવા માટે લોડીંગ ટેમ્પામાં ગુપ્તખાના બનાવીને તેમાં દારૂ છુપાવીને માલની હેરફેરના નામે દારૂ સપ્લાય કરતા હોવાની બાતમી પીસીબી પીઆઇ એમ સી ચૌધરી અને તેમના સ્ટાફને મળી હતી. જેના આધારે સૈજપુર રોડ પર રવિવારે દરોડો પાડીને તપાસ કરતા ટેમ્પામાં માલસામાન નીચેના ખાનામાંથી ૨૯૫ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ચાલક કમલેશ પ્રજાપતિ (રહે. મેઘાણીનગર)ની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રાજસ્થાનથી દારૂનો જથ્થો ટેમ્પામાં સામાનની લાવવાના નામે ખાનામાં છુપાવીને એક બુટલેગર પાસેથી તે લાવ્યો હતો. આ મોડ્સ ઓપરેન્ડીથી અનેકવાર દારૂ લાવ્યો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અન્ય બનાવમાં રાજેન્દ્ર પાર્ક ઓઢવ તક્ષશીલા સ્કૂલ પાસે પીસીબીના સ્ટાફે બાતમીને આધારે એક કારનો પીછો કરીને રોકી હતી. તપાસ કરતા બિયર અને દારૂની ૨૫૫ બોટલો મળી આવી હતી. જે અંગે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.