પીસીબી દ્વારા તાડીની સાથે જીવલેણ કેમીકલનો મોટો જથ્થો જપ્ત કરાયો
તાડીમાં કેમીકલ ઉમેરીને વેચતા હતા
અગાઉ રામોલમાં પણ કેમીકલનો જથ્થો મળી આવ્યો હતોઃ કેફી દ્રવ્ય તૈયાર કરનાર બે શખ્સો નાસી ગયા
અમદાવાદ,
રવિવાર
દેશી દારૂના બદલે તાડીમાં જીવલેણ કેમીકલનો જથ્થો ઉમેરીને નશા માટેનું દ્રવ્ય તૈયાર કરનાર નારોલના બે બુટલેગરો સામે પીસીબીએ ગુનો નોંધ્યો છે. દરોડો દરમિયાન પોલીસે સ્થળ પરથી તાડી અને કેમીકલનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરવામાં આવેલા કેમીકલનું થોડું પણ વધારે પ્રમાણ જો ઉમેરવામાં આવે તો વ્યક્તિનો જીવ જઇ શકે છે. જો કે તાડી દેશી દારૂ કરતા સસ્તી હોવાથી બુટલેગરો તેમાં કેમીકલ ઉમેરીને વેચાણ કરતા થયા છે. પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ સી ચૌધરી અને તેમનો સ્ટાફ નારોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે નારોલ કલર ટેક્ષટાઇલ્સ કંપનીની પાછળના ભાગમાં તાડી સાથે કેમીકલ ઉમેરીને મોટા પ્રમાણમાં વેચાણ કરે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો. જો કે બુટલેગરો ત્યાંથી નાસી ગયા હતા. સ્થળ પર તપાસ કરતા પોલીસને તાડીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સાથેસાથે પીળા રંગનું દાણેદાર કેમીકલ અને એક કિલો જેટલો સફેદ પાવડર મળી આવ્યો હતો. પીળા રંગના કેમીકલ અને પાવડરને તાડીમાં ઉમેરીને બુટલેગરો દ્વારા સ્થાનિક વિસ્તારમાં વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે જપ્ત કરેલું કેમીકલ એટલું જોખમી હોય છે કે તેનું થોડુ પ્રમાણ વધી જાય તો વ્યક્તિનો જીવ જઇ શકે છે. પરંતુ, દેશી દારૂ કરતા તાડી સસ્તી હોવાની સાથે આસાનીથી મળી જતી હોવાથી બુટલેગરો તેમાં કેમિકલ ઉમેરીને દારૂની જગ્યાએ નશા માટે વેચાણ કરતા હતા. આ અગાઉ રામોલ વિસ્તારમાંથી પીસીબીએ આ કેમીકલનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જે હૈદરાબાદથી લાવવામાં આવ્યો હતો. આ અંગે પીસીબીએ દિનેશ ચુનારા અને દિલીપ ચુનારા નામના પિતા પુત્ર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.