ચાંદખેડામાં ૮૦૦ લીટર દેશી દારૂ સાથે ચાર ઝડપાયા
રાણીપમાં રહેતા બુટલેગરે દારૂનો જથ્થો સપ્લાય કર્યો હતો
પીસીબીએ વિસત ક્રોસ રોડ અને ચાંદખેડ઼ામાં અલગ દરોડા પાડીને કાર્યવાહી કરી
અમદાવાદ,
મંગળવાર
પીસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર બી ક્રિશ્ચિયન અને અન્ય સ્ટાફે બાતમીને આધારે
ચાંદખેડા-વિસતમાં બે અલગ અલગ રેડ કરીને ઓટો રીક્ષામાંથી કુલ ૮૦૦ લિટર જેટલો દેશી દારૂ
જપ્ત કર્યો હતો. પ્રથમ કેસમાં પીસીબીના સ્ટાફે બાતમીને આધારે ચાંદખેડા વિસત સર્કલ પાસે
વોચ ગોઠવીને એક શંકાસ્પદ રીક્ષાને રોકીને તપાસ કરતા તેમાંથી ૪૦૦ લિટર દારૂ મળી આવ્યો
હતો. આ અંગે પાર્થ સોલંકી (રહે. હેમાંગી એપાર્ટમેન્ટ, ચાંદખેડા) અને આશિષ નાગવાણી (રહે.સમરથનગર સોસાયટી,હાંસોલ રોડ,સરદારનગર)ને ઝડપી
લીધા હતા. આ દારૂનો જથ્થો જાકીર શેખ (રહે.મદ્રાસીની ચાલી, કેશવનગર, રાણીપ) અને વિશાલ
જુરમાની (રહે. સુભાષબ્રીજ) પાસેથી લઇને સ્થાનિક
વેચાણ માટે લીધો હતો. અન્ય બનાવમાં ચાંદખેડા પલાસ ૧૮ બિલ્ડીંગ પાસેથી એક રીક્ષામાંથી
૪૦૦ લીટર દારૂ સાથે મોહિત દંતાણી અને તેના ભાઇ સુમિત દંતાણી (રહે.ગોકુલનગરી, સાબરમતી)ને ઝડપી લેવાયા
હતા. આ દારૂ જાકીર શેખ અને વિશાલ જૂરમાનીએ સપ્લાય કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.