એસજી હાઇવે પર પોલીસને જોઇ બુટલેગર દારૂ ભરેલી કાર મુકીને ફરાર
નાના ચિલોડામાં પાર્કિંગમાંથી દારૂ જપ્ત કરાયો
કારમાં દારૂ લઇને બે વ્યક્તિ વૈષ્ણોદેવી સર્કલથી આવી રહ્યા હતાઃ શહેરમાં દારૂ લાવવા નાના વાહનોનો ઉપયોગ
અમદાવાદ,ગુરૂવાર
શહેરના એસ જી હાઇવેના ગોતા નજીક બુધવારે રાતના સમયે પોલીસને જોઇને બુટલેગર દારૂ ભરેલી કાર મુકીને નાસી ગયો હતો. અન્ય બનાવમાં પીસીબીએ નાના ચિલોડામાં આવેલા રશ્મિ સંકલ્પ એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી કારમાંથી દારૂનો મોટો જથ્થો જપ્ત કરીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. સોલા પોલીસનો સ્ટાફ બુધવારે રાતના સમયે એસ જી હાઇવે ગોતા પર વાહનચેકિંગમાં હતા તે સમયે વૈષ્ણોદેવી સર્કલ તરફથી આવી રહેલા એક કારના ચાલકે પોલીસને જોઇને કારને દુર ઉભી રાખી દીધી હતી. જેથી પોલીસ સ્ટાફે તે તરફ જતા કાર ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિ ત્યાંથી નાસી ગયા હતા. કારમાં તપાસ કરતા પોલીસને તેમાંથી ૨૯ પેટી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પોલીસે કારના નંબરને આધારે તપાસ કરી હતી. પરંતુ, કારનો નંબર બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સોલા પોલીસે કાર અને દારૂનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.અન્ય બનાવમાં પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરી અને તેમના સ્ટાફે બાતમીને આધારે નાના ચિલોડામાં આવેલા રશ્મિ સંકલ્પ એપાર્ટમેન્ટના પાર્કિગમાં તપાસ કરતા કારમાંથી ૯૨૨ બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે એપાર્ટમેન્ટમાં રહેતા વિનય ચેનાની અને કાલુરામ લુહાર તેમજ કેયુર ગજ્જર (રહે રખિયાલ)ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવીને આસપાસના વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતો હતો.