સીંગરવામાં ૧૨ જુગારીઓની રૂપિયા ૮.૧૯ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
પીસીબીના દરોડાના પગલે નાસભાગ મચી ગઇ
એડવાન્સમાં નાણાં લઇને જુગારીઓને જુગાર રમાડવા માટે ખાસ વાહનમાં લઇ જવાતા હતાઃ પોલીસથી બચવા દરરોજ લોકેશન બદલતા હતા
અમદાવાદ,સોમવાર
શહેરના સીંગરવા જોરા ટેકરા પાસે આવેલા ખુલ્લા ખેતરમાં ચાલતા જુગારના અડ્ડા પર પીસીબીના સ્ટાફે દરોડો પાડીને ૧૨ લોકોને રૂપિયા ૧.૦૮ લાખની રોકડ , વાહનો મળીને કુલ રૂપિયા ૮.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્રણ મુખ્ય આરોપીઓ મોટાપ્રમાણમાં બહારથી જુગારીઓેને બોલાવીને તેમની પાસેથી જુગાર રમવાના નાણાં એડવાન્સમાં લઇને તેમને ખાસ વાહન મારફતે જુગારના અડ્ડા પર લઇ જતા હતા. તેમને ત્યાં મોટાપ્રમાણમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી જુગારીઓ રમવા આવતા હતા. આ અંગે નિકોલ પોલીસ મથકે ગુનો નોંધાવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.શહેરના સરસપુર કડીયાવાડમાં રહેતો અલ્પેશ પટેલ, ગાંધીવાસ સાબરમતીમાં રહેતો અલ્પેશ પનારા અને નિકોલમાં રહેતો કનુ બારૈયા સાથે મળીને સીંગરવામાં આવેલા જોરા ટેકરા નજીક ખેતરમાં મોટાપ્રમાણમાં જુગારીઓને લાવીને નિયમિત રીતે જુગાર રમાડતા હોવાની બાતમી પીસીબીની પીઆઇ એમ સી ચૌધરીને મળી હતી. જેના આધારે સોમવારે બપોરના સમયે પીસીબી પીએસઆઇ વી ડી ખાંટ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં પોલીસને જોઇને નાસભાગ મચી ગઇ હતી. જો કે પોલીસે કુલ ૧૨ લોકોને ઝડપી લીધા હતા. જ્યારે ૧૦થી વધારે જુગારીઓ નાસી ગયા હતા. પોલીસને આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે અલ્પેશ અને તેની સાથે સંકળાયેલા આરોપીઓ જુગારીઓને સીંગરવા વી કે ભઠ્ઠા સામે બોલાવીને તેમના વાહનો એક રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરાવતા હતા. તે પછી તેમની પાસેથી એડવાન્સમાં નાણાં લઇને ખાસ વાહનમાં જુગારના સ્થળે લઇ જતા હતા. જ્યાં જમા કરાવવામાં આવેલા નાણાંની સામે તેરિયાનો જુગાર રમાડવામાં આવતો હતો. એડવાન્સમાં લીધેલા નાણાંનો હિસાબ સબ્બીર રૂપાવાલા (રહે. આસ્ટોડિયા ચકલા, જમાલપુર) અને જીગ્નેશ ભાવસાર (રહે. સાલવીવાડ, સરસપુર) નામના શખ્સો રાખતા હતા. જમા કરાવાવમાં આવેલા નાણાંની સામે તે ચોક્કસ કલરના કોઇન આપતા હતા. આ અગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓ
૧. શબ્બીર રૂપાવાલા (રહે. સૈફી મોહલ્લા, જમાલપુર)
૨. અલ્પેશ પનારા (રહે.ગાંધીવાસ, સાબરમતી)
૩. ગૌતમ રૂપેરા (રહે. વર્ધમાન સોસાયટી, સુરેન્દ્રનગર)
૪. અલ્પેશ પ્રજાપતિ (રહે. રૂપાપરીની પોળ, વાડીગામ, દરિયાપુર)
૫. પ્રદિપ પટેલ (રહે.ધરતી ફ્લેટ,વસ્ત્રાલ)
૬. જીગ્નેશ ભાવસાર (રહે.મોટી સાલવીવાડ,
સરસપુર)
૭. કરણ ઠક્કર (રહે.હરિદર્શન એપાર્ટમેન્ટ, વિશ્વકુંજ સોસાયટી, મણિનગર)
૮. મનીષ પંજાબી (રહે.નીલકંઠ સોસાયટી, ઘોડાસર)
૯. અશોક પરમાર (રહે.હનુમાન વાસ, રાયખડ)
૧૦. મહંમદ જાવેદ શેખ (રહે. રંગવાળી ચાલી, રખિયાલ)
૧૧. સંદિપસિંહ ચાવડા (રહે.વસઇ ડાભલા, વિજાપુર)
૧૨. હિતેશ ચાવડા (રહે. ઓડનો ટેકરો, જુના વાડજ)