ભૂમાફિયા મોહંમદઇસ્માઇલ ૮૦ જેટલાં જમીનના પ્લોટ પડાવવાની ફિરાકમાં હતો
આર્થિક ગુના નિવારણ શાખાને અનેક બનાવટી દસ્તાવેજો મળી આવ્યા
ભૂમાફિયા સાથે રજીસ્ટ્રાર ઓફિસના અધિકારીઓની સંડોવણીની પ્રબળ શક્યતા જમીન પચાવી પાડવા માટે બળનો ઉપયોગ કરવા ગુંડાઓની ગેંગ રાખી હતી
અમદાવાદ,રવિવાર
અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીનના ખોટા દસ્તાવેજ તૈયાર કરીને ખોટું લીટીગેશન ઉભુ કરીને જમીન પચાવી પાડવાનું કહીને સમાધાન માટે કરોડો રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં ઝડપાયેલા મહોંમદઇસ્માઇલ શેખ અને નોટરી તંરગ દવેની પુછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં પોલીસને મળી આવેલા ૮૫ જેટલા દસ્તાવેજોની તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદના વિવિધ વિસ્તારામાં ૮૦થી વધુ જમીનના પ્લોટ પર લીટીગેશન ઉભુ કરીને મોટાપાયે ખંડણી માંગવાની યોજના હતી. સાથેસાથે કેટલાંક અસામાજીક તત્વોની ગેંગ બનાવીને મોહંમદ ઇસ્માઇલ શેખ જમીનના માલિક પર ભય ઉભો કરતો હતો. બીજી તરફ આ કૌભાંડમાં રજીસ્ટ્રાર ઓફિસના કેટલાંક કર્મચારીઓની સંડોવણી હોવાની કડી તપાસ દરમિયાન સામે આવી છે. શહેરના શાહપુર બહાર સેન્ટર પાસે આવેલી નંદન સોસાયટીમાં રહેતા અબ્દુસસલામ મન્સુરીની જુહાપુરામાં આવેલી જમીન વેચાણના બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને ૧૨ કરોડની ખંડણી માંગવાના કેસમાં ઝડપાયેલા ભૂમાફિયા મોહમદઇસ્માઇલ શેખ અને નોટરી તરંગ દવેની પુછપરછ દરમિયાન આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓને ચોંકાવનારી વિગતો મળી છે. પોલીસે બંનેની ધરપકડ કર્યા બાદ અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. જેમાં મોહંમદઇસ્માઇલના જુહાપુરા સ્થિત મકાનમાંથી દસ્તાવેજોની છ ફાઇલો મળી આવી હતી. આ ઉપરાંત, જુહાપુરા રોયલ અકબર ટાવર સ્થિત ઓફિસમાંથી અલગ અલગ વ્યક્તિઓના નામના ૮૫ જેટલા દસ્તાવેજો મળી આવ્યા હતા. આ ઉપરાત, નોટરી તરંગ દવેના જોધપુર મંગલજ્યોત એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી નોટરી કરવા માટે મોકલવામાં આવેલા ૧૬ જેટલા રજીસ્ટ્રર મળી આવ્યા હતા. પોલીસની વિશેષ ટીમ દ્વારા આ તમામ દસ્તાવેજોની જીણવટપૂર્વક કરવામાં આવેલી ચકાસણી દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોના ૮૦ જેટલા જમીનના પ્લોટની વિગતો મળી છે. આ તમામ જમીન પચાવી પાડવા માટે તેણે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. બીજી તરફ પોલીસને આ સમગ્ર કૌભાંડમાં મામલતદાર અને રજીસ્ટ્રાર ઓફિસ ઉપરાંત અન્ય સરકારી કચેરીઓની અધિકારીઓની સંડોવણી હોવાની કડીઓ પણ મળી છે. જે સંદર્ભમાં કેટલાંક અધિકારીઓને પુછપરછ માટે બોલાવવા અંગે સમન્સ ઇસ્યુ કરાયા છે. આ સાથે આગામી સમયમાં આ કૌભાંડમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત, મોહંમદઇસ્માઇલ શેખ પચાવી પાડવા માટે ૨૫થી વધુ માથાભારે લોકોની ગેંગ પણ ધરાવતો હતો. જેમાં કોઇ સમાધાન ન કરે તો તેમને કે પછી તેમના પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. પોલીસ કમિશનર જી એસ મલિકે અમદાવાદ ક્રાઇમ બ્રાંચને આ સમગ્ર મામલે વિશેષ ટીમ બનાવીને તપાસના મુળ સુધી જઇને આકરી કાર્યવાહી કરવાની સુચના આપી છે. જેથી અનેક સિનિયર અધિકારીઓની ટીમ બનાવીને સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે.
સમાધાન માટેના કરોડો રૂપિયાના વ્યવહારો તપાસમાં અનેક બેંક એકાઉન્ટની ચકાસણી
કિંમતી જમીનના બનાવટી વેચાણ દસ્તાવેજો બનાવીને અગાઉ અનેક લોકો
પાસેથી સમાધાનના નામે કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવવામાં આવી હતી. આ તમામ આર્થિક વ્યવહારો
તપાસવા માટે પોલીસે અનેક બેંક એકાઉન્ટ અને
આંગડિયા પેઢી તેમજ હવાલા અંગે તપાસ શરૂ કરી છે. જેમાં માહિતી મળી છે કે મોહંમદઇસ્માઇલે
અનેક લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલીને તેમાંથી લાખો રૂપિયાના આર્થિક વ્યવહાર કર્યા
હતા. જે પૈકી પોલીસને કેટલાંક ડમી બેંક એકાઉન્ટની વિગતો પણ મળી છે. જેની ચકાસણી દરમિયાન
આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.