For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇસનપુરમાં જુગારના અડ્ડા પર દરોડો રૂ.૧૨.૬૭ લાખની રોકડ મળી આવી

જીમખાનાની આડમાં રાજ્યભરમાંથી જુગારીઓ રમવા આવતા હતા

૩૧ જુગારીઓને ઝડપી લેવાયાઃ બે મુખ્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવીઃ પીસીબીના દરોડા બાદ ઇસનપુર પોલીસ શંકાના ઘેરાવામાં આવી

Updated: May 6th, 2024

ઇસનપુરમાં જુગારના અડ્ડા પર દરોડો રૂ.૧૨.૬૭ લાખની રોકડ મળી આવીઅમદાવાદ,સોમવાર

શહેરના ઇસનપુરમાં પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાંચના (પીસીબી)ના સ્ટાફે જીમખાનાની આડમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડીને રૂપિયા ૧૨.૬૭ લાખની રોકડ સહિત રૂપિયા ૧૬.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સ્થળ પરથી ૩૧ લોકોને ઝડપી લીધા હતા.  નરોડા અને ઇસનપુરમાં રહેતા ત્રણ વ્યક્તિઓ દ્વારા છેલ્લાં ઘણા સમયથી  જીમખાનાની આડમાં મોટાપાયે જુગારનો અડ્ડો ચલાવવામાં આવતો હતો. જેમાં અન્ય અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી જુગારીઓ રમવા માટે આવતા હતા. આ અંગે  પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Article Content Image
શહેરના ઇસનપુર સ્મશાન પાસે આવેલા ઇસનપુર જીમખાનાની આડમાં મોટાપાયે જુગારનો અડ્ડો ચલાવવામાં આવતો હોવાની બાતમી પીસીબીના પીઆઇ  બી આર ક્રિશ્ચિયન અને તેમના સ્ટાફને મળી હતી. જેના આધારે પોલીસ રવિવારે સાંજે  ઇસનપુર જીમખાના ખાતે દરોડો પાડયો હતો. જેમાં જીમખાનાની ઓફિસમાં ૬૭ વર્ષીય નિતિન પટેલ (રહે. સન બંગ્લોઝ, સુભાષ ચોક, મેમનગર) નામની વ્યક્તિ મળી આવી હતી.  જેને સાથે રાખીને પોલીસે જીમખાનામાં તપાસ કરતા કેટલાંક લોકો મળી આવ્યા હતા. જે અલગ અલગ રૂમમાં રમી (મેરેજ)ની ગેમ પત્તા પર રમી રહ્યા હતા. પરંતુ, ટેબલ પર રોકડ મળી આવી નહોતી. જો કે  ત્યાં જુગાર રમી રહેલા લોકોની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  તેમને જુગાર રમવા આવતા પહેલા જીમખાનાની બહાર એક વ્યક્તિને નાણાં આપીને તેની સામે તે  વિવિધ પત્તા આપતો હતો. જે દાવ પર મુકીને જુગાર રમાડવામાં આવતો હતો.  જે બાદ જીમખાનાની બહાર નજીકમાં અભિનવ એપાર્ટમેન્ટમાં જઇને તપાસ કરતા અજીત શાહ નામનો વ્યક્તિ મળી આવ્યો હતો.જેની પાસેના થેલામાંથી રોકડ મળી આવી હતી. આ અંગે  અજીતે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે  જીમખાનાના સંચાલક મુળુભા રાણા, જતીન મુંજાણી અને  નિતીન પટેલે તેને સુસના આપી હતી કે તે જીમખાનામાં આવતા જુગારીઓને રોકડના બદલે તેના બદલે રકમ પ્રમાણે બ્લુ પત્તા આપવામાં આવતા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે જીમખાનાનો હિસાબ ઇસનપુરમાં આવેલી પરષોત્તમ સોસાયટીમાં ખાસ ભાડે રાખવામાં આવેલા મકાનમાં રહેતા દિગ્વિજયસિંહ  રાણા અને બળવંતસિંહ ગોહિલ દ્વારા કાખવામાં આવતો હતો. Article Content Imageજેના આધારે પરષોતમ સોસાયટીમાં દરોડો પાડીને તપાસ કરતા ત્યાંથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવી હતી. આમ, પોલીસે કુલ ૨૦ જેટલા જુગારીઓ પાસેથી તેમજ  અન્ય આરોપીઓ પાસેથી કુલ ૧૨.૬૩ લાખની રોકડ જપ્ત કરી હતી. આ ઉપરાંત, વાહન અને મોબાઇલ સહિત કુલ ૧૬.૬૭ લાખની મત્તા જપ્ત કરી હતી.  આ અંગે પીઆઇ એમ સી ચૌધરીએ જણાવ્યું હતું કે  છેલ્લાં છ મહિનાથી જીમખાાની આડમાં જુગાર રમાડવામાં આવતો હતો. કોઇ શંકા ન જાય તે માટે રોકડને ટેબલ પર મુકવાને બદલે બહાર જમા કરાવવામાં આવતી હતી.  તેમજ કોઇ બહારથી અંદર ન આવી શકે તે માટે જીમખાનાના જુગારના વિભાગનો દરવાજો ફેસલોક સાથે સેટ કર્યો હતો.  આ અંગે પીસીબી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

 

 મુળરાજસિંહ રાણા પોલીસ જીમખાના પર રેડ કરે  ત્યારે ગુજરાત હાઇકોર્ટની ધમકી  આપતો હતો

ઇસનપુર જીમખાનામાં મોટાપાયે બેરોકટોક રીતે જુગારનો અડ્ડો ચલાવવામાં આવતો હતો. જેમાં દરરોજ લાખો રૂપિયાનો જુગાર રમવામાં આવતો હતો. પરંતુ, પોલીસ દરોડા દરમિયાન રોકડ ન મળે  અને કેસ નીલ બને તે માટે જીમખાનાના સંચાલક મુળરાજસિંહ રાણા, અરવિંદ દલાલ અને  નિતિન પટેલ  અલગ જ મોડસ ઓપરેન્ડીથી કામ કરતા હતા. તેમ છંતાય, પોલીસ દ્વારા કોઇવાર બાતમીને આધારે દરોડો પાડવામાં આવે ત્યારે મુળરાજસિંહ જીમખાનાને કાયદેસર રીતે ચલાવે છે અને તે માત્ર રમી રમાડે છે. તેવી સાબિત થતું હતું. પરતુ, પોલીસ વધારે તપાસ કરે તો તે હાઇકોર્ટની ધમકી આપીને પોલીસને ફસાવવાની વાત કરતો હતો. જેના કારણે  અગાઉના દરોડામાં ધારી સફળતા મળી નહોતી. જુગારના અડ્ડાના મામલે પોલીસ કમિશનરે સમગ્ર કેસની તપાસ ક્રાઇમબ્રાંચને સોંપી છે. સાથેસાથે ઇસનપુર જીમખાનાને સીલ પણ કરાયું છે.

 

ઇસનપુર જીમખાનામાં ઝડપાયેલા આરોપીઓના નામ


પીસીબીએ દરોડા દરમિયાન ૨૦ જુગારીઓ સહિત ૩૧ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે બે મુખ્ય સંચાલકની શોધખોળ આદરી છે.

ક્રમ     નામ    સરનામુ

૧.      શંકર પ્રેમજી કલાલ     શુભમ એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા

૨.      ધનજી પટેલ    સાર્થક ફ્લેટ, ઠક્કરનગર, બાપુનગર)

૩.      સૌરભ ભાવસાર પરસોત્તમનગર, વિરાટનગર રોડનિકોલ)

૪.      અબ્દુલ રસીદ શેખ     બડી પોળ, કાલુપુર

૫.      લીલાભાઇ રાવળ       બળિયાદેવનો ટેકરો, નિકોલ

૬.      ઇમરાનખાન પઠાણ    સિરાજનગર, મિલ્લતનગર

૭.      જયેશ પડિયા   ધીરજ હાઉસીંગ સોસાયટી,ખોખરા

૮.      માણેકશા વેગડા તપોભુમિ સોસાયટી, ઇસનપુર

૯.      સમસુદ્દીન સાલાર       માંડલ, વિરમગામ

૧૦.    મંહમંદ શેખ    સિરાજનગર, મિલ્લતનગર

૧૧.    અલ્લારખા કુરેશી       મદની ફ્લેટ, પાટણ

૧૨.    સંજય સોલંકી   વિવેકાનંદનગર, હાથીજણ

૧૩.    મહેન્દ્રસિંહ ચુડાસમા     લક્ષ્મીનગર સોસાયટી, નરોડા

૧૪.    નિતિન પટેલ(જીમખાનાના ડાયરેક્ટર)   સન બંગ્લોઝ,સુભાષ ચોક,મેમનગર

૧૫.    સુરેશ ગોખલે   મંગલમ ફ્લેટ, બાપુનગર

૧૬.    રાજેશ ઠક્કર    પુષ્પ એલીગન્સ, ઇસનપુર

૧૭.    કુલદીપસિંહ ગઢવી     ભાગ્યોદય સોસાયટી,જનતાનગર, ઘાટલોડીયા

૧૮.    બકુલ પટેલ    મોટા કેરાળા ગામ, સાયલા, સુરેન્દ્રનગર

૧૯.    વિરલ પટેલ    ગણેશ હોમ્સ,ન્યુ રાણીપ

૨૦.    દિલીપસિંહ ઝાલા       ચુડા, સુરેન્દ્રનગર

૨૧.    મહેન્દ્ર મીણા    મેમનગર

૨૨.    હીરાલાલ મીણા મેમનગર

૨૩.    ગણેશ મીણા    ઇસનપુર

૨૪.    સંતોષ જોગી    મટકા ગલી, ઇસનપુર

૨૫.    યાદરામ ઠાકુર  મેમનગર

૨૬.    વાલમ પટેલ   ભુરાભાઇની ચાલી, બાપુનગર

૨૭.    દિલીપ સરવૈયા કૈલાશ કુંજ સોસાયટી, વસ્ત્રાલ

૨૮.    જતીન મુંજાણી (ક્લબનો ડાયરેક્ટર)   

૨૯.    અજીત શાહ     (હિસાબનીશ)   અભિનવ એપાર્ટમેન્ટ, સૈજપુર

૩૦.    બળવંતસિહ ગોહિસ (જુગારના પૈસા રાખનાર)   કૃષ્ણધામ સોસાયટી, નરોડા

૩૧.    દિગ્વિજયસિંહ રાણા     કેલાશ ધામ, સોસાયટી, નિકોલ

 

વોન્ટેડ આરોપી

 

૧.      અરવિંદ દલાલ પરષોત્તમનગર, રામવાડી, ઇસનપુર

૨.      મુળરાજસિંહ રાણા       નરોડા

 

 ઇસનપુર જીમખાનામાં જુગારીઓ માટે ૨૪ કલાક રસોડુ ચાલતુ હતું

ઇસનપુર જીમખાનામાં પીસીબીએ દરોડાની કાર્યવાહી કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.  જીમખાનામાં જુગારીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં તેમના માટે જીમખાનામાં રસોડુ ચાલતુ હતું. જ્યાં ચા-નાસ્તાની સાથે રસોઇ પણ બનાવી આપવામાં આવતી હતી. આ માટે છ લોકોનો વધારાનો સ્ટાફ પણ આરોપીઓ રાખ્યો હતો ચા-નાસ્તાની વ્યવસ્થા ઉપરાંત, જુગારીઓની સેવા માટે છ લોકોના સ્ટાફને ખાસ નોકરી પર રખાયો હતો.

જીમખાનામાં પોલીસે દરોડો પાડીને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે  જીમખાનામાં બહારના જુગારીઓ સતત આખો દિવસ કે બે દિવસ પણ જુગાર રમતા હતા. જેથી તેમના માટે આરામ કરવાની તેમજ ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.  તેમજ પંજાબીથી માંડીને ચાઇનીઝ ફુડ પણ સર્વ કરવામાં આવતું હતું.  પોલીસે જીમખાનામાં નોકરી કરતા છ લોકોની પણ ધરપકડ કરી હતી.  મુળરાજસિંહ અને અન્ય સંચાલકો ભેજાબાજ હતા. જેથી તેમણે જીમખાનાના સીસીટીવીને પોતાના મોબાઇલ સાથે કનેક્ટ કર્યા હતા. જેથી તે મોબાઇલ ફોનથી જ જીમખાનામાં ચાલતા જુગારના અડ્ડા પર નજર રાખતા હતા. પોલીસે સીસીટીવી રેકોર્ડ કરતા ડીવીઆર  સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જેેની તપાસ કરતા અનેક ચોંકાવનારી વિગતો જાણી શકાશે.

Gujarat