અમરાઇવાડીમાં શાક માર્કેટમાં વિદેશી દારૂનું વેચાણ કરતો યુવક ઝડપાયો
દારૂ વેચાણની અલગ મોડ્સ ઓપરેન્ડી સામે આવી
નરોડામાં મારૂતિવીલા એપાર્ટમેન્ટના પાર્કિગમાં કારમાં છુપાવેલો દારૂ મળી આવ્યોઃ
,સોમવાર
શહેરના અમરાઇવાડીના સત્યમનગરમાં આવેલી શાક માર્કેટમાં લારીમાં શાકભાજીની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરતા યુવકને પીસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નરોડા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના પાર્કિગમાં કારમાં છુપાવેલો દારૂ અને સ્થાનિક વિસ્તારમાં સપ્લાય કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનો પણ જપ્ત કર્યા હતા. પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરીને બાતમી મળી હતી કે અમરાઇવાડી સત્યમનગરમાં આવેલી શાક માર્કેટમાં એક યુવક શાકભાજીના વેચાણની આડમાં દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો.જેમાં લારીની નીચેના ભાગમાં વિદેશી દારૂની ૪૪ બોટલ મળી આવી હતી. આ દારૂનો જથ્થો નિયમિત રીતે નક્કી ગ્રાહકોને સપ્લાય કરવામાં આવતો હતો. જે અંગે રવિ ચૌહાણ નામના યુવકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. અન્ય બનાવમાં પીએસઆઇ વી ડી ખાંટે બાતમીને આધારે નરોડા વિઠ્ઠલ પ્લાઝા રોડ પર આવેલા મારૂતિ વિલા નામના એપાર્ટમેન્ટના પાર્કિગમાં કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કાર, રીક્ષા અને એક સ્કૂટરને મુદ્દામાલ જપ્ત કરી હતી. આ અંગે મહાવીરસિંહ ચૌહાણ નામના યુવકની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત, દાણીલીમડા શક્તિ સોસાયટીમાં રહેતા સુલતાન શેખ નામના યુવકને છીપા સોસાયટી પાસેથી સ્કૂટરમાં છુપાવેલા દારૂ સાથે ઝડપી લીધો હતો.