મુંબઇથી અમદાવાદની વિવિધ ટ્રાન્સપોર્ટમાં બિયર સપ્લાય થતી હતી
ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલ લેવા આવેલા બે યુવકો ઝડપાયા
હર્ષ પંજાબી નામના બુટલેગરે અનેકવાર ટ્રાન્સપોર્ટથી અમદાવાદમાં પાર્સલ મંગાવ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું
અમદાવાદ,રવિવાર
પોલીસથી બચવા માટે અમદાવાદના એક બુટલેગરે મુંબઇથી બ્રાંડેડ બિયરનો જથ્થો મંગાવવા માટે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલી ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો હોવાની વિગતો સામે આવી છે. પીસીબીએ નારોલમાં દરોડો પાડયા બાદ ઓઢવમાં આવેલી એક ટ્રાન્સપોર્ટમાં વોચ ગોઠવીને પાર્સલની ડીલેવરી લેવા આવેલા બે યુવકોને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં નારોલના હર્ષ પંજાબી નામના બુટલેગર દ્વારા મુંબઇથી અલગ ટ્રાન્સપોર્ટમાં મોટા પ્રમાણમાં બિયરનો જથ્થો મંગાવવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. પીસીબીના સ્ટાફે નારોલમાં આવેલા એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દરોડો પાડીને મુંબઇથી આવેલા એક પાર્સલમાંથી બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. જે મુંબઇથી ધર્મ એન્ટરપ્રાઇઝમાંથી મોકલાયો હતો. આ દરમિયાન પોલીસને વધુ એક બાતમી મળી હતી કે ઓઢવ ભિક્ષુકગૃહ રોડ પાસે આવેલા એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં મુંબઇથી એક પાર્સલ આવ્યું છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને બિયર ભરેલું પાર્સલ લેવા આવેલા બે યુવકોને ઝડપી લીધા હતા. પુછપરછમાં તેમના નામ તૌસીફ શેખ (રહે.સાહિલ પાર્ક, બોમ્બે હોટલ પાસે, દાણીલીમડા) અને તરૂણ સોની (રહે.નમ્ર એપાર્ટમેન્ટ, સીટીએમ , રામોલ) હોવાનું જાણવા મળ્યું હતું. બંનેની તપાસમાં જાણવા મળ્યું હતું કે નારોલમાં આવેલા મંથન ટેનામેેન્ટમાંમાં રહેતા હર્ષ પંજાબી નામનો બુટલેગર પોલીસથી બચવા માટે અમદાવાદમાં આવેલી વિવિધ ટ્રાન્સપોર્ટમાંથી મુંબઇથી નિયમિત રીતે પાર્સલ મંગાવીને અમદાવાદમાં બિયરનો જથ્થો ચોક્કસ લોકોને સપ્લાય કરતો હતો. નારોલમાં આવેલી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી અગાઉ પાંચ વાર બિયરના પાર્સલની ડીલેવરી લીધી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.