વિદેશમાંથી ડયુટી ફ્રી દારૂ મંગાવીને અમદાવાદમાં વેચાણ કરતી ગેંગ ઝડપાઇ

રાણીપમાં એપાર્ટમેન્ટમાં જ દારૂ રાખીને ગ્રાહકોને સપ્લાય થતો હતો

પીસીબીએ રાણીપમાં આવેલા પંચરાહી એપાર્ટમેન્ટમાં દરોડો પાડીનેે બ્રાંડેડ દારૂની બોટલો જપ્ત કરીઃ પોલીસને તપાસમાં અનેક ગ્રાહકોના નામ મળ્યા

Updated: May 19th, 2024


Google NewsGoogle News
વિદેશમાંથી ડયુટી ફ્રી દારૂ મંગાવીને અમદાવાદમાં વેચાણ કરતી ગેંગ ઝડપાઇ 1 - image

અમદાવાદ,રવિવાર

શહેરના વાડજમાં શનિવારે સાંજે પીસીબીના સ્ટાફે દરોડો પાડીને બ્રાંડેડ વિદેશી દારૂની બોટલોનો મોટો  જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપેલા બે આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે  તેમના ખાસ ગ્રાહકો માટે આરોપીઓ વિદેશથી આવતા પેસેન્જરો પાસેથી ડયુટી ફ્રી દારૂ મંગાવીને બમણી કિંમતે વેચાણ કરતા હતા. સાથેસાથે રાજસ્થાન, દમણથી પણ દારૂ મંગાવતા હતા. આ દારૂની ડીલવેરી તે તેમના ચોક્કસ ગ્રાહકોને જ આપતા હતા. છેલ્લાં ઘણા સમયથી સ્થાનિક વિસ્તારમાં દારૂ વેચાણનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરી અને તેમના સ્ટાફને શનિવારે સાંજે ચોક્કસ બાતમી મળી હતી કે રાણીપમાં આવેલા પંચરાહી એપાર્ટમેન્ટમાંથી નિયમિત રીતે ટુ વ્હીલરમાંથી સ્થાનિક ગ્રાહકોને દારૂની ડીલવેરી કરવામાં આવે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી અને નીચે પાર્ક કરેલા ટુ વ્હીલર્સમાં છુપાવવામાં આવેલી દારૂની ૧૩૭  જેટલી  બોટલો મળી આવી હતી. જે પૈકી મોટાભાગની બોટલો બ્રાંડેડ દારૂની હતી. આ અંગે પોલીસે તુષાર પટેલ (રહે. પંચરાહી એપાર્ટમેન્ટ,રાણીપ) અને દિનેશ બામણીયા (રહે. ચાંદલોડિયા)ને ઝડપી લીધા હતા. પોલીસે વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તુષાર પટેલ ખોરજ ગાંધીનગરમાં રહેતા અવિનાશ પટેલ પાસેથી દારૂ મંગાવતો હતો અને  તે દારૂનો તેના નિયમિત ગ્રાહકોને દિનેશ બામણીયાની મદદથી સપ્લાય કરાવતો હતો.બ્રાંડેડ દારૂની માંગ વિશેષ રહેતી હોવાથી તુષાર પટેલ અને અવિનાશ પટેલે એક ખાસ નેટવર્ક ગોઠવ્યું હતું. જેમાં વિદેશથી આવતા સ્થાનિક મુસાફરો પાસેથી ડયુટી ફ્રી દારૂ મંગાવીને ગ્રાહકોને બમણીથી વધુ કિંમત વસુલીને વેચાણ કરતો હતો. પોલીસને આરોપીઓ પાસેથી ગ્રાહકોની  યાદી પણ મળી આવી છે. જેના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News