નારોલમાં ટ્રાન્સપોર્ટના પાર્સલ દ્વારા મંગાવેલો બિયરનો જથ્થો ઝડપાયો
દારૂ-બિયર મંગાવવા માટે નવી મોડ્સ ઓપરેન્ડી
ચાંદખેડા પોલીસે વહેલી સવારે ૨૦ કિલોમીટર સુધી ફિલ્મી ઢબે બુટલેગરની કારનો પીછો કરીને દારૂ જપ્ત કર્યો
અમદાવાદ,શનિવાર
શહેરના નારોલમાં આવેલી એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં મુંબઇથી આવેલા એક પાર્સલમાંથી પીસીબીના સ્ટાફે બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો.જ્યારે અન્ય બનાવમાં ચાંદખેડા પોલીસે ઝુંડાલ સર્કલથી એક શંકાસ્પદ કારનો ૨૦ કિલોમીટર સુધી પીછો કર્યો હતો.જેમાં ડ્રાઇવર કોટેશ્વર પાસે કાર મળી આવતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. નારોલમાં પીપળજ-પીરાણા રોડ પર આવેલા સૌરાષ્ટ્ર રોડવેઝ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં મુંબઇથી એક પાર્સલમાં દારૂનો જથ્થો હોવાની બાતમી પીસીબીના પીઆઇ એમ સી ચૌધરીના સ્ટાફને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને મુંબઇ મુલુંડ કોર્પોરેટ પાર્કથી એક પાર્સલ ભીવંડીથી ટ્રાન્સપોર્ટ મારફતે અમદાવાદ આવેલા પાર્સલને તોડીને તપાસ કરી હતી. જેમાં પેક કરાયેલા બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં આ પાર્સલ બોપલમાં આવેલા મારૂતિનંદન કોમ્પ્લેક્સમાં આવેલી ધરમ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં પહોંચતુ કરવાનું હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.અન્ય બનાવમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે ઝુડાલ સર્કલ પાસે રાજસ્થાનથી એક કારમાં દારૂનો લઇને એક વ્યક્તિ પસાર થવાનો છે. જેથી પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ કારને રોકવા માટે ઇશારો કર્યો હતો. પરતુ, કારચાલકે કાર રોકવાને બદલે ઝડપથી ચાંદખેડા તરફ ભગાવી હતી. બાદમાં કોટેશ્વર પાસે કાર મુકીને નાસી ગયો હતો. કારમાંથી પોલીસને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરી છે.