બિલ્ડરના ભાગીદારે બનાવટી લેટરપેડ અને સહી કરીને રુપિયા દોઢ કરોડ સેરવી લીધા
50 ટકા ભાગીદારીમાં બિલ્ડરને વિશ્વાસ કરવો ભારે પડ્યો
સીઆઇડી ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગુનો નોંધવામાં આવ્યોઃ નિકોલમાં બનાવેલા કોમ્પ્લેક્સની દુકાનો બારોબાર વેંચી દીધી
અમદાવાદ, ગુરુવાર
શહેરના બાપુનગરમાં રહેતા એક બિલ્ડરે અન્ય એક ભાગીદાર સાથે મળીને નિકોલમાં કોમર્શીયલ કોમ્પ્લેક્સની સ્કીમ લોંચ કરી હતી. જો કે તેના ભાગીદારે બિલ્ડરની જાણ બહાર બનાવટી લેટર પેડના આધારે અન્ય દસ્તાવેજ રેરા ઓફિસમાં રજૂ કરીને 17 જેટલી દુકાનો બારોબાર વેચીને રુપિયા દોઢ કરોડની રકમ બારોબાર સગેવગે કરી લીધી હતી. આ અંગે સીઆઇડી ક્રાઇમના અમદાવાદ ઝોન દ્વારા ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. બાપુનગર ઇન્ડિયા કોલોની કૈલાશ ધામ સોસાયટીમાં રહેતા ધવલભાઇ રુડાણી બિલ્ડર તરીકે વ્યવસાય કરે છે. થોડા વર્ષ પહેલા તેમનો પરિચય કિંજલ લાખાણી (રહે. નરનારાયણ સોસાયટી,બાપુનગર) સાથે ધંધાકીય બાબતને લઇને પરિચય થયો હતો. જેમાં બંનેએ ભાગીદારીમાં નિકોલ ગંગોત્રી સર્કલ પાસે રુપિયા ત્રણ કરોડમાં જમીન ખરીદીને 137 યુનિટનું કોર્મશીયલ કોમ્પ્લેક્સ બનાવવાનું નક્કી કર્યું હતું અને તે માટે એક કન્ટ્રક્શન કંપની બનાવીને 50 ટકા ભાગીદારી કરી હતી. જો કે થોડા સમય બાદ ધંધાકીય બાબતને લઇને બંને વચ્ચે તકરાર થતા ધવલભાઇ ઓફિસ પર જતો ત્યારે કિંજલ તેને બેસવા દેતો નહોતો અને તમામ વહીવટ પોતાના દ્વારા કરતો હતો. આ દરમિયાન તેણે કંપનીનો ખોટો લેટર પેડ તૈયાર કરીને રેરા ઓફિસમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને કોમ્પ્લેક્સની 17 જેટલી દુકાનો બારોબાર વેચીને રુપિયા દોઢ કરોડની રકમ પેઢીના એકાઉન્ટમાંથી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. આ તમામ વ્યવહાર તેણે ધવલભાઇની ખોટી સહી કરીને કર્યા હતા. આ માટે કિંજલે કન્ટ્ર્ક્શન કંપનીનું અન્ય બેંક એકાઉન્ટ ખોલીને ગ્રાહકોને નાણાં પડાવી લીધા હતા. આ અંગે સીઆઇડી ક્રાઇમ દ્વારા કિંજલ લાખાણી સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.