ચાંગોદર ના ગ્લોસ ફાર્માના સંચાલકો પ્રતિબંધિત દવાના જથ્થા સાથે ઝડપાયા
પંજાબ પોલીસ અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન
ગુજરાતમાંથી પ્રતિબંધિત ટેબલેટનો મોટો જથ્થો ઉત્તરપ્રદેશમાં મોકલવામાં આવતો હતોઃ પંજાબ પોલીસે ડ્રગ્સ કેસમાં કુલ ૧૨ લોકોની ધરપકડ કરી
અમદાવાદ,
સોમવાર
પંજાબ પોલીસે બે દિવસ પહેલા ઝડપેલા સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડના મુળ ગુજરાતના ચાંગોદર પાસેના ચાંચરવાડી સ્થિત ગ્લોસ ફાર્મા કંપની સુધી પહોંચ્યા હતા. જે અનુસંધાનમાં પંજાબ પોલીસે ગુજરાત એટીએસના અધિતારીઓને સાથે રાખીને ફાર્મા કંપનીના સંચાલક મનીષ વશિષ્ટ અને રેખા વશિષ્ટની ધરપકડ કરીને પોલીસે નશાકારક અને પ્રતિબંધિત દવાનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો હતો. આ સમગ્ર કૌભાંડને ડ્રગ્સ માફિયા જેલમાંથી સંચાલિત કરતા હતા. પંજાબ પોલીસ દ્વારા છેલ્લા એક મહિનાથી ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા માટે નજર રાખવામાં આવી હતી. જે અનુસંધાનમાં જાણવા મળ્યું હતું કે નશો કરવા માટેની ટેબલેટના વેચાણનો મોટો કારોબાર સુવ્યસ્થિત રીતે ચાલે છે. જેના આધારે અમૃતસરમાંથી પ્રિન્સકુમાર નામના ડ્રગ્સ પેડલરને ૧૪,૫૦૦ જેટલી ટ્રામાડોલ નામની ટેબલેટના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જે દવાનો જથ્થો મેજરસિંગ નામનો વ્યક્તિ ગોવિંદવાલ સાહિબ જેલમાં રહીને ફોન પર સુચના આપીને સપ્લાય કરતો હતો. જેથી જેલમાંથી મેજરસિંગની ધરપકડ કરીને તેની પાસેથી મોબાઇલ ફોન જપ્ત કરાયો હતો અને તેની પુછપરછમાં આકાશસિંગ,ગુરૂપ્રીતસિંગ, અને સુરજીતસિંગના નામ ખુલ્યા હતા. આ તમામ લોકો ટેબલેટનો જથ્થો ઉત્તરપ્રદેશની માણસા જેલમાં સજા કાપી રહેલા સચિનકુમાર પાસેથી લેતા હતા અને સચિનકુમાર નામના ડ્રગ્સ માફિયાએ ખુલાસો કર્યો હતો કે તે આ ટેબલેટનો જથ્થો અમદાવાદ ચાંગોદર નજીકના ચાંચરવાડીમાં આવેલા ગ્લોસ ફાર્મામાંથી મંગાવતો હતો. તે દિલ્હીમાં ગ્લોસ ફાર્માના સંચાલક મનીષ અને રેખા વશિષ્ટને મળ્યા હતા અને ડીલ કરી હતી. જે મુજબ તે ટેબલેટ તૈયાર કરીને મોકલી આપતા હતા. પોલીસે ૧૪.૭૨ લાખ ટેબલેટનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આ અગાઉ નશાકારક કફ સીરપનો મોટો જથ્થો પણ ચાંગોદરના ગોડાઉનમાંથી જ પડકાયો હતો.