પોરબંદરમાંથી ઝડપાયેલા યુવકને ભારતમાંથી નાણાં ટ્રાન્સફર થયા હતા
પાકિસ્તાન માટે જાસુસી કરવાનો મામલો
યુવકને નાણાં ટ્રાન્સફર કરનાર એકાઉન્ટની તપાસ થશેઃ અન્ય વોટ્સએપ નંબર પણ સક્રિય હોવાની દિશામાં તપાસ શરૂ
અમદાવાદ,શનિવાર
પાકિસ્તા માટે જાસુસ કરતા પોરબંદરમાં રહેતા માછીમાર યુવકને એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં તપાસ દરમિયાન તેને છ હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાયાનો ખુલાસો થયો હતો. જેના આધારે પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યુવકને ભારતના સ્થાનિક બેંક એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સોશિયલ મિડીયા દ્વારા ભારતમાં યુવકોને ફસાવીને અન્ય વોટ્સએપ નંબર પરથી પણ સંવેદનશીલ માહિતી મેળવવામાં આવી રહી હોવાની કડી મળી છે. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી જતીન ચારણીયા નામના માછીમાર યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. જે સોશિયલ મિડીયામાં એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જે બાદ તે વોટ્સએપ અને ટેલીગ્રામથી કોસ્ટ ગાર્ડ અને અન્ય દરિયાકાંઠાની સંવેદનશીલ માહિતી આપતો હતો. જો કે આ યુવતી ખરેખર કોઇ યુવતી નહોતી પણ પાકિસ્તાની જાસુસ હતો. જે ફેક એકાઉન્ટ બનાવીને સંપર્કમાં આવ્યો હતો. જે બાદ તેણે હની ટ્રેપ ગોઠવીને માહિતી મેળવી હતી અને છ હજાર રૂપિયા પણ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. આ અંગે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નાણાં ભારતના સ્થાનિક બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયા હતા. જે અંગે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.