કાંકરોલી તૃતિય પીઠાધીશ તરીકે વાગીશકુમારજીની વરણી સામે અન્ય વારસદારોનો વિરોધ
ગત વર્ષે જોધપુર હાઇકોર્ટ યથાવત સ્થિતિ જાળવી રાખવાનો હૂકમ કર્યો હોવા છતા વાગીશકુમારે સ્વઘોષીત ગાદી કાર્યક્રમ યોજ્યો
વડોદરા : વલ્લભાચાર્યજી દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ પરંપરાની રાજસ્થાનમાં કાંકરોલી સ્થિત તૃતિય પીઠના પીઠાધીશ તરીકે વૈષ્ણવાચાર્ય ડો.વાગીશબાવાને ઘોષીક કરવામાં આવ્યાના બે સપ્તાહ બાદ અન્ય વારસદારોએ પણ આ ગાદી ઉપર પોતાનો દાવો કરતા અગામી સમયમાં વિવાદ વકરવાની પુરી શક્યતાઓ જોવાઇ રહી છે.
કાંકરોલી સ્થિત દ્વારકાધીશ મંદિર, તૃતિય પીઠ પ્રન્યાસના ૧૩માં પીઠાધીશ ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી નિત્યલીલામાં પધાર્યા બાદ ૧૯૮૦માં ગોસ્વામી શ્રી વ્રજેશકુમારજી ૧૪માં પીઠાધીશ બન્યા હતા. ગત ૨૬ ફેબુ્રઆરીના રોજ વડોદરા ખાતે સારવાર દરમિયાન હોસ્પિટલમાં શ્રી વ્રજેશકુમારજી ૮૨ વર્ષની ઉમરે નિત્યલીલામાં પધારી ગયા. જે બાદ ખાલી પડેલી તૃતિય પીઠની ગાદી ઉપર શ્રી વ્રજેશકુમારજીના પુત્ર ડો.વાગીશકુમારજી ગોસ્વામીને પીઠાધીશ એટલે કે તિલકાયત તરીકે ગત તા.૭ સપ્ટેમ્બરે ઘોષીત કરવામાં આવ્યા છે.
આ પ્રક્રિયા સામે ગોસ્વામી પરાગકુમારજી અને ગોસ્વામી શિશિરકુમારજીએ દાવો કર્યો છે કે વંશ પરંપરા મુજબ તેઓ તૃતિય પીઠના ઉત્તરાધિકારીનો અધિકાર ધરાવે છે. ૧૩માં તિલકાયત વૃજભૂષણલાલજીના દેવલોક થયા પછી તેઓ તિલકાયત-ઉત્તરાધિકારીગણના અધિકાર રાખે છે અને તૃતિય પીઠના તિલકાયત-પીઠાધિશ્વર-ગાદીપતિની હેસીયત સંયુક્તરૃપે ધરાવે છે. વાગીશકુમાર દ્વારા તા.૭ સપ્ટેમ્બરનો સ્વ ઘોષિત ગાદી કાર્યક્રમનું અમે ખંડન કરીએ છીએ. રાજસ્થાનમાં જોધપુર હાઇકોર્ટમાં આ અંગેનો કેસ ચાલી રહ્યો છે અને ૨૦૨૨માં કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ આપ્યો હોવા છતાં સ્વ ઘોષિત ગાદી કાર્યક્રમ કરવામાં આવ્યો તે કોર્ટના આદેશની અવગણના છે.જે ઉચ્ચ ન્યાયાલયના તિરસ્કારની શ્રેણીમાં આવે છે.