શારદાબહેન હોસ્પિટલમાં ઓપીડી સેવા ખોરવાઇ, દર્દીઓને ધક્કો પડયો
- રેડિડેન્ટ ડૉક્ટરોએ સોમવારે ધરણા-સૂત્રોચ્ચાર કર્યા
- ઇમરજન્સી સિવાયના સામાન્ય કેસો ધ્યાને જ ન લેવાયા, દર્દીઓ હાલાકીમાં મૂકાયા
અમદાવાદ,તા.29 નવેમ્બર 2021,સોમવાર
રેસિડેન્ટ ડૉક્ટરોએ સોમવારે તેમની વિવિધ માંગેને લઇને સોમવારે વિરોધ પ્રદર્શન કર્યા હતા. શારદાબહને હોસ્પિટલમાં પણ ધરણા-સૂત્રોચ્ચારને લઇને આખો દિવસ કેમ્પસમાં માંગણી-વિરોધ-આક્રોશ-અન્યાયના સૂર ઉઠયા હતા. જેને લઇને હોસ્પિટલની ઓપીડી સેવાઓની કામગીરીને ભારે અસર પહોંચી હતી. ફક્ત ઇમરજન્સી સેવાઓ ચાલુ હતી બાકીને સેવાઓ બંધ જેવી હાલતમાં હતી.
સરકારી તબીબી કોલેજોમાં પણ ડૉક્ટરોએ ડીનને આવેદનપત્ર પાઠવીને તેમની માંગણીઓ રજૂ કરી હતી. ૧૬-૫-૨૧ના ઠરાવનું અમલીકરણ કરવામાં આવે, તેમજ ૨૨-૧૧-૨૧ના ઠરાવને રદ કરવામાં આવે માંગણી કરાઇ હતી. બી.જે. મેડિકલ કોલેજના પ્રાંગણમાં પણ ધરણા-સૂત્રોચ્ચાર થયા હતા.
ડૉક્ટરોએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. શારદાબહેન હોસ્પિટલમાં શરદી-ખાંસી તાવ વગેરે દર્દીઓએ દવા લીધા વગર પાછા ફરવાની ફરજ પડી હતી. અમુક સમય માટે ઓછા સ્ટાફ વચ્ચે ઓપીડી સેવા ચાલુ રખાઇ હતી પરંતુ મોટાભાગના દર્દીઓએને તો ધક્કો જ પડયો હતો.