મની લોન્ડરીંગ નામે વૃદ્વને ડીજીટલ અરેસ્ટ કરીને નાણાં પડાવી લેવાયા
છેતરપિંડીની જાણ થતા અન્ય નાણાં ટ્રાન્સફર ન કર્યા
સેલામાં રહેતા સિનિયર સિટીઝને બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીઃ ચાઇનીઝ ગેંગ દ્વારા છેતરપિંડીની શક્યતા
અમદાવાદ,રવિવાર
શહેરના સેલા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનને મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનું કહીને ટ્રાયના નામથી કોલ કરીને મોબાઇલ નંબર કાયમ માટે બંધ કરવાની સાથે મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનું કહીને ડીજીટલ અરેસ્ટ કરીને બેંકમાં તેમજ અન્ય સ્થળે રોકાણમાં આવેલા ૪.૩૬ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. જે બાદ વધુ નાણાંની માંગણી કરવામાં આવતા શંકા જતા સિનિયર સિટીઝને ટ્રાન્જેક્શન ન કરતા વધુ છેતરપિંડી થતા અટકી હતી. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેરના સેલામાં આવેલી નંદનબાગ સોસાયટીમા રહેતા ૬૩ વર્ષીય સુનિલભાઇ માથુરને એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનાર વ્યક્તિએ ટેલીકોમ રેગ્યુલરી ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપીને કહ્યું હતુ કે તમારા પર મનીલોન્ડરીંગ એક્ટ હેઠળ નરેશ ગોયલે કેસ કર્યો છે. જેથી તમારા તમામ ફોન બંધ કરવામાં આવશે. ત્યારબાદ પ્રદીપ સાવંત નામના એક પોલીસ અધિકારીને ફોન આપીને સુનિલભાઇને ઇન્ટ્રોગેશનના નામે ડરાવવામાં આવ્યા હતા. બાદમાં તેમને નાણાંકીય વ્યવહાર તપાસવા માટે બેંકમાં રહેલા, મ્યુચ્યુઅલ ફંડમાં રહેલા કે અન્ય સ્થળે રોકાણ કરાયેલા તમામ નાણાં ચોક્કસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહીને સતત વિડીયો કોલમાં રાખીને તેને ડીજીટલ અરેસ્ટ કર્યાનું કહ્યું હતું. જેથી ગભરાઇને સુનિલભાઇએ તેમના બેંક એકાઉન્ટના, મ્યુચ્યુઅલ ફંડના તેમજ અન્ય બચતના ૪.૩૭ લાખ રૂપિયા હિસાબ માટે ટ્રાન્સફર કરી આપ્યા હતા. બાદમાં કેસ થયો હોવાથી વધુ નાણાં માંગવામાં આવ્યા હતા. જેથી સુનિલભાઇને શંકા જતા તેમણે આ અંગે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.