શેર બજારમાં નફો કમાવવા જતા CAએ રૂપિયા ૧.૯૭ કરોડ ગુમાવ્યા

ટેલીગ્રામથી લીંક મોકલતી ગેંગનો વધુ એક ટારગેટ

શેરબજારની ટીપ્સ આપીને વિશ્વાસમાં લઇને લોગઇન આઇડી આપીને રોકાણ કરાવ્યું ઃ સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો

Updated: May 15th, 2024


Google NewsGoogle News
શેર બજારમાં નફો કમાવવા જતા CAએ રૂપિયા ૧.૯૭ કરોડ ગુમાવ્યા 1 - image

અમદાવાદ,બુધવાર

વોટ્સએપ અને ટેલિગ્રામના ગુ્રપમાં એડ કરીને શેરબજારમાં રોકાણના કરાવીને છેતરપિંડી કરવામાં આવતી હોવાના અનેક કિસ્સા સામે આવતા હોવા છતાંય, લોકો હજુ જાગૃત થતા નથી. જેના કારણે લાખો-કરોડો રૂપિયા ગુમાવે છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા ૮૮ વર્ષીય ચાર્ટડ એકાઉન્ટ સાથે  ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા રૂપિયા ૧.૯૭ કરોડનું રોકાણ કરાવીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. શહેરના વાસણામાં આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા ૮૮ વર્ષીય  મધુકાન્તભાઇ પટેલ  સીએ તરીકે કામ કરતા હતા. ગત ફેબ્રુઆરી ૨૦૨૪માં તેમને વોટ્સએપ પર અજાણ્યા મોબાઇલ નંબરથી મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારે સુનિલ સિંઘાનિયા નામની ઓળખ આપીને શેર બજારના એક વોટ્સએપ ગુ્રપમાં જોડાવવા માટે લીંક મોકલી હતી. જે લીંકને કોપી કરીને મધુકાન્તભાઇ જોડાયા હતા. આ ગુ્રપમાં શેર બજારને લગતી ટીપ્સ આપવામાં આવતી હતી. જેથી વિશ્વાસ કરીને તેમણે પણ રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ લોગઇન આઇ ડી મેળવીને તેમણે ૧૨મી માર્ચથી ૩જી મે સુધીમાં કુલ .૧૯૭ કરોડ જેટલી રકમ શેરબજારમાં રોકાણ કરી હતી. તેમને લોગઇન કરતા સમયે પ્રોફિટ પણ દર્શાવવામાં આવતો હતો. જો કે કેટલાંક શંકાસ્પદ વ્યવહારો જણાતા તેમણે પ્રોફિટ પરત માંગ્યો હતો પરંતુ, તેમને તેની સામે ૧૫ ટકા ટેક્ષની રકમ પહેલા ભર્યા બાદ જ પ્રોફિટ મળશે. તેમ કહીને નાણાં પરત આપ્યા નહોતા. જેથી આ મામલે તાત્કાલિક સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. જેમાં  તેમની સાથે શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.



Google NewsGoogle News