શહેરમાં વધુ એક વન આકાર પામશે અમદાવાદના શીલજ તળાવ પાસે ૭ કરોડના ખર્ચે આરોગ્ય વન બનાવાશે
વીસ હજાર ચોરસ મીટર જગ્યામાં વિવિધ આયુર્વેદિક રોપા ઉછેરવામાં આવશે
અમદાવાદ,ગુરુવાર,4 નવેમ્બર,2021
અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તારમાં વધારો કરવા મ્યુનિસિપલ
તંત્ર તરફથી વધુ એક વન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.શીલજ વિસ્તારમાં આવેલા
તળાવ પાસે વીસ હજાર ચોરસ મીટર જગ્યામાં વિવિધ પ્રકારના આયુર્વેદિક ઔષધીના રોપાનો ઉછેર કરવામાં આવશે.આ વનના
નિર્માણ પાછળ સાત કરોડથી વધુની રકમનો ખર્ચ કરવામાં આવશે.
આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદમાં હાલ નાના-મોટા મળી ૨૮૦થી વધુ બગીચા આવેલા
છે.વર્ષ-૨૦૧૧માં કરવામાં આવેલા ટ્રી સેન્સસ સમયે શહેરનો ગ્રીન કવર એરીયા માત્ર
૪.૩૦ જેટલો હતો.બાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા હાથ ધરવામાં
આવેલા સઘન પ્રયાસોના કારણે હાલમાં ઓકિસજન પાર્ક ઉપરાંત રિવરફ્રન્ટ વિસ્તારમાં
વિશાળ ફલકમાં પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યુ છે.આ કારણથી શહેરના ગ્રીન કવર
વિસ્તારમાં વધારો થવા પામ્યો છે.શીલજ વિસ્તારમાં આવેલા તળાવ પાસે કેવડીયા કોલોની
ખાતે જે પેટર્નથી આરોગ્ય વન બનાવવામાં આવ્યુ છે એ પેટર્નથી વિવિધ પ્રકારના
આયુર્વેદિક ઔષધીના રોપા ઉછેરી આરોગ્ય વન
બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું
છે.