પ્રસિધ્ધ સેક્સોફોન વાદક જ્યોર્જ બ્રૂક્સનો ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રેમ જાણીને આશ્ચર્ય થશે

જ્યોર્જ બ્રૂક્સ કહે છે કે પશ્ચિમી સંગીત આનંદ આપશે પરંતુ ભારતીય શાસ્ત્રી સંગીત આત્માને ઝંકૃત કરી દેશે

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
પ્રસિધ્ધ સેક્સોફોન વાદક જ્યોર્જ બ્રૂક્સનો ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રેમ જાણીને આશ્ચર્ય થશે 1 - image


વડોદરા : વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર (પાવાગઢ) ખાતે શનિવારે ચાંપાનેર મહોત્સવનું આયોજન કરવામા આવ્યુ છે જેમાં લોકગીત, સુફી અને શાસ્ત્રીય સંગીતના કલાકારો ઉપરાંત સ્થાનિક આદિવાસી પરંપરાના કલાકારો પરફોર્મન્સ કરવાના છે. આ કાર્યક્રમ માટે આજે વડોદરા આવેલા જાણીતા સેક્સોફોન વાદક જ્યોર્જ બૂ્રક્સે ભારતીય શાસ્ત્રીય સંગીત સાથેના પોતાના લગાવ અંગે વાતો કરી હતી.

જાઝ અને શાસ્ત્રીય સંગીતનું ફ્યુઝન કરતા જ્યોર્જ કહે છે કે ૧૯ વર્ષની ઉમરમાં ભારતીય શાસ્ત્રીય રાગો સાંભળીને હું મુગ્ધ બની ગયો હતો

'હું ૧૦ વર્ષનો હતો ત્યારથી સંગીતના ક્ષેત્રમાં છું. મને ડ્રમ વગાડવુ ગમતુ હતુ પરંતુ મારી માતાએ કહ્યું કે ડ્રમ ઘોંઘાટ કરે છે એટલે મે સેક્સોફોન પસંદ કર્યો. સ્કૂલના બેન્ડમાં હું સેક્સોફોન વગાડતો હતો. બેલ્જિયમના કલાકાર એડોલ્ફ સેક્સે આ વાદ્યયંત્ર શોધ્યુ હતુ એટલે તે સેક્સોફોન તરીકે ઓળખાય છે. ફુંકના માધ્યમથી વાગતા વાદ્યો જેવા કે વાંસળી, શરણાઇ, સેક્સોફોનમાં રેડિમેડ સૂર નથી હોતા તેને તૈયાર કરવા પડે છે. માટે તમારે આવા વાદ્યો વગાડવા માટે તેમાં તમારો આત્મા પણ પરોવો પડે.' 

તેમ કહીને જ્યોર્જે ઉમેર્યુ હતું કે 'હું ૧૯ વર્ષનો હતો અને બોસ્ટનથી કેલીફોર્નિયા સિફ્ટ થયો. ત્યાં મારી મુલાકાત સિતાર વાદક ક્રિષ્ના ભટ્ટ સાથે થઇ. તેઓ સિતાર પર ભારતીય શાસ્ત્રીય રાગો વગાડતા હતા તે સાંભળીને હું મુગ્ધ થઇ જતો હતો. પછી મે સેક્સોફોન ઉપર ભારતીય શાસ્ત્રીય રાગોને વગાડવાનું શરૃ કર્યુ. તે બાદ હું ભારત આવ્યો કિરાના ઘરાનાના ગુરૃ પંડિત પ્રાણનાથ પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી.પશ્ચિમી સંગીત તમને આનંદ આપશે પરંતુ ભારતીય શાસ્ત્રી સંગીત તમારા આત્માને ઝંકૃત કરી દેશે. પ્રકૃતિનો જે લય છે તેને આધાર બનાવીને ભારતીય સંગીત તૈયાર થયુ છે.'

ઉલ્લેખનીય છે કે ૬૭ વર્ષના જ્યોર્જ બૂ્રક્સે અનેક પ્રસિધ્ધ ભારતીય કલાકારો સાથે સંગત કરી છે. જાઝ અને શાસ્ત્રીય સંગીતના ફ્યુઝનના તેઓ પાયોનિયર તરીકે ઓળખાય છે. શનિવારે તેઓ ચાંપાનેર ખાતે સાંજે ૭.૩૦ વાગ્યે જામી મસ્જિદ કેમ્પસમાં પરફોર્મન્સ આપશે.

પ્રસિધ્ધ સેક્સોફોન વાદક જ્યોર્જ બ્રૂક્સનો ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રેમ જાણીને આશ્ચર્ય થશે 2 - image

સૌથી નાની ઉમરના ડ્રમર તરીકે રેકોર્ડ બુકમાં નામ નોંધાવનાર દર્શન દોશીનું કહેવું છે કે  "ડ્રમ સામાન્ય વાદ્ય નથી તેને વગાડવા હાથ, પગ અને મગજ વચ્ચે તાલમેલ જરૃરી"

એ.આર.રહેમાન હોય કે અદનાન સામી, ફિલ્મો સરકાર હોય કે ધુમ-૨ કે પછી રોક ઓન આ બધામાં એક સમાનતા એ છે કે ડ્રમર તરીકે ગુજરાતી યુવાન દર્શન દોશી જ હોય છે. ૩૭ વર્ષના દર્શનનો જન્મ મુંબઇના તે સમયના પ્રસિધ્ધ ડ્રમર શૈલેષ દોશીને ત્યાં થયો હતો.

સોશિયલ મીડિયામાં બે પ્રકારના સંગીતકારો હોય છે એક લાઇક અને કોમેન્ટ માટે કામ કરતા બીજા સિરિયસ

દર્શન કહે છે કે જન્મથી ઘરમાં ડ્રમ જોવા મળતા હતા એટલે મારા માટે ડ્રમ પ્લે કરવા એ રમત વાત હતી. ર વર્ષની ઉમરે સૌથી નાની ઉમરના ડ્રમર તરીકે મને લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યુ હતું. પ્રસિધ્ધ સંગીતકાર કલ્યાણજી આણંદજીના ગૃપ સાથે નાની ઉમરમાં જ મે વિશ્વભરમાં ડ્રમ વગાડયા છે. ડ્રમ સામાનન્ય વાદ્ય નથી તેના માટે ઓછામાં ઓછો રોજ ૫ થી ૬ કલાક રિયાઝ (પ્રેક્ટિસ) જરૃરી છે. બે હાથ, બે પગ અને મગજ વચ્ચે તાલમેલ હોય તો જ ડ્રમ વગાડી શકાય છે. સોશિયલ મીડિયાના કારણે આજે સંગીતકારો અને ગાયક કલાકારોની કિંમત વધી છે. પરંતુ સોશિયલ મીડિયામાં બે પ્રકારના કલાકારો હોય છે એક માત્ર ટ્રેન્ડ સેટર જે લાઇક અને કોમેન્ટથી સંતોષ માને છે બીજા સિરિયસ મ્યુઝિસિયન હોય છે જે લાંબાગાળા માટે પોતાની છાપ છોડે છે.


Google NewsGoogle News