CNCD વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર પર જીવલેણ હુમલો કરાયાની ફરિયાદ

રખડતા પશુ પકડવાની કામગીરી રોકવા માટે માથાભારે તત્વોનો આતંક

કુલ દશ લોકોએ હુમલો કર્યાની એલિસબ્રીજ પોલીસે કાર્યવાહી હાથ ધરીઃ આરોપીઓએ પશુ પકડવા ન આવવાની અગાઉ ધમકી આપી હતી

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
CNCD  વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર પર જીવલેણ હુમલો કરાયાની  ફરિયાદ 1 - image

અમદાવાદ, બુધવાર

અમદાવાદમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની સીએનસીડી વિભાગમાં સેનેટરી ઇન્સ્પેક્ટર પર દશ જેટલા માથાભારે તત્વોએ એલિસબ્રીજ પાસે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ એલિસબ્રીજ પોલીસ મથકે નોંધવામાં આવી છે. સેનેટરી ઇન્સ્પેક્ટર અને તેમનો સ્ટાફ રખડતા ઢોર પકડવા જતા હતા ત્યારે તેમને કેટલાંક લોકોએ તેમને ચોક્કસ વિસ્તારમાં ઢોર પકડવા માટે ન આવવા માટે ધમકી આપી હતી.  સેનેટરી ઇન્સ્પેક્ટરને માથામા, પગમાં ગંભીર ઇજાઓ થતા સારવાર માટ વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શહેરના વેજલપુર બકેરી સીટીમાં આવેલા સાક્ષાત એપાર્ટમેન્ટમાં રહેતા કિરણભાઇ બરંડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં  પશુ ત્રાસ નિયંત્રણ વિભાગમાં સેનેટરી ઇન્સપેક્ટર તરીકે પશ્ચિમ ઝોન ઉસ્માનપુરા ખાતે ફરજ બજાવે છે. દોઢ મહિના પહેલા તે રખડતા ઢોર પકડવા માટે ગયા હતા ત્યારે  ભરત રબારી અને લાલા રબારી નામના માથાભારે લોકોએ તેમને ધમકી આપી હતી કે  તારે કેશવનગર સાબરમતી સેન્ટ્રલ જેલ પાસે ઢોર પકડવા માટે આવવું નહી અને જો આવીશ મારીને દવાખાના ભેગા કરી દઇશુ.  મંગળવારે કિરણભાઇ અને તેમનો સ્ટાફ પશ્ચિમ વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી કરીને દાણીલીમડા ઢોરના ડબ્બા પર વાહન મુકીને બાઇક પર ઘરે જવા માટે નીકળ્યા હતા. આ સમયે લાલો રબારી અને ભરત રબારી અન્ય આઠ લોકો સાથે બાઇક પર તેમના વાહનનો પીછો કરતા હતા. જેથી તે ડરીને માથાભારે લોકોથી બચવા માટે બાઇકને અલગ અલગ રસ્તેથી લઇને તિલક બાગથી એલિસબ્રીજ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે આરોપીઓએ ચાલુ બાઇક પર કિરણભાઇના માથામાં લાકડીનો ફટકો મારીને નીચે પાડી દીઘા હતા. તે પછી લાકડીઓ વડે બેરહેમીપૂર્વર માર મારીને હાથ-પગ અને પેટ પર માર્યો હતો. આ સમયે રાહદારીઓ ભેગા થઇ જતા તમામ લોકો ધમકી આપીને નાસી ગયા હતા. બીજી તરફ કિરણભાઇને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

સેનેટરી ઇન્સ્પેક્ટનર પર હુમલાને પગલે તમામ સેનેટરી સ્ટાફનો કામથી અળગા રહેવાનો નિર્ણય

સીએનસીડી વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર કિરણભાઇ બરંડા પર જીવલેણ હુમલાની ઘટનાને પગલે મનપાના હેલ્થ ટેકનીકલ સ્ટાફ દ્વારા વિરોધ કરાયો છે.જેમાં હેલ્થ ટેકનીકલ સ્ટાફના પ્રમુખ રામુભાઇ વાઘેલાએ જણાવ્યું છે કે સીએનસીડી વિભાગની કામગીરી સેનેટરી સ્ટાફને આપવાને બદલે અન્ય મહાનગર પાલિકાની માફક લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની નિમણૂંક કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સેનેટરી સ્ટાફ પર અગાઉ પણ અનેકવાર આ પ્રકારે હુમલા થઇ ચુક્યા છે. જેથી  તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સીએનસીડી, મેલરિયા, અને હોસ્ટિપલનો તમામ સેનેટરી સ્ટાફ કામથી અળગો રહેશે. આમ, આ હુમલાની ઘટનાના ભારે પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.


Google NewsGoogle News