પોલીસની તાકાત નથી કે મારી પાસે ટુ વ્હીલરના દસ્તાવેજો માંગી ચકાસી શકે
દરિયાપુર પોલીસ સ્ટેશનમાં યુવકનો ં હંગામો
દરિયાપુર પોલીસે યુવક વિરૃદ્વ ફરજમાં અડચણ ઉભી કરવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી
અમદાવાદ,ગુરૃવાર
શહેરના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એચએસઆરપી નંબર પ્લેટ વિનાનું સ્કૂટર લઇને આવેલા એક યુવક પાસે પોલીસે સ્કૂટરના કાગળો અને એચએસઆરપી અંગે પુછતા યુવકે પોલીસ સ્ટેશનમાં હંગામો કરીને પોલીસ સ્ટાફને ધમકી આપી હતી. જે અંગે દરિયાપુર પોલીસે તેનું સ્કૂટર જપ્ત કરવાની સાથે ધરપકડ કરીને પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરવાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. શહેરના દરિયાપુર પોલીસ દ્વારા તેમની હદમાં વાહન ચેકિંગની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં એચએસઆરપી નંબર પ્લેટ ન હોય કે ડ્રાઇવીંગ લાયસન્સ ન હોય તેવા ચાલકોના વાહનો જપ્ત કરીને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા અને તેને પાર્ક કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે એક સ્કૂટર લઇને યુવક આવ્યો હતો. જેમાં સ્કૂટરની પાછળની એચએસઆરપી નંબર પ્લેટ નહોતી. જેથી પોલીસે તેનું નામ પુછતા ઇમરાન અનવર શેખ (રહે.સુલતાન મોહલ્લો, ચંદન તલાવડી પાસે, દરિયાપુર) હોવાનું જાણવા મળ્યું હતું. તેણે પોલીસને કહ્યું હતું કે તમારી ઔકાત મારૃ વાહન ચેક કરવાની નથી. સાથેસાથે અપશબ્દો પણ કહ્યા હતા. જો કે સ્કૂટરની ડેકીમાં તપાસ કરતા નંબર પ્લેટ ડેકીમાં હતી. જેથી ઇમરાને ફરીથી હંગામો કરીને કહ્યું હતું કે તમે ગરીબોના વાહન ખોટી રીતે જપ્ત કરો છો. આ ઉપરાંત, પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી. છેવટે પોલીસે ઇમરાન શેખની ફરજમાં રૃકાવટ ઉભી કરવાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તપાસ કરતા તે ગત સપ્ટેમ્બર ૨૦૨૨માં ટુ વ્હીલર ચોરીમાં ઝડપાય ચુક્યો હતો. આમ,તેનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.