માથાભારે વ્યક્તિએ જ્વલનશીલ પદાર્થ છાંટી કારને અંદરથી સળગાવી દીધી
પાલડી મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસના દિપકનગર સોસાયટીની ઘટના
પાણીના ટેન્કર લઇ જતા વ્યક્તિએ થોડા દિવસ પહેલાં કારના માલિકને ધમકી આપી હતીઃ કારમાં આગ લગાવવા આવેલો વ્યક્તિ પણ દાઝી ગયો
અમદાવાદ,રવિવાર
શહેરના પાલડી મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે આવેલી દિપકનગર સોસાયટીમાં એક માથાભારે વ્યક્તિએ અંગત અદાવતમાં કારનો કાંચ તોડીને જ્વલનશીલ પદાર્થ છાંટીને કારને અંદરથી સળગાવી દીધી હોવાની ઘટના બની છે. કારમાં આગ લાગવાની સાથે મોટા ધડાકો થતા નાસભાગ પણ મચી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કાર રસ્તાની બાજુમાં પાર્ક કરવાના મામલે એક ટેન્કરચાલક સાથે કાર માલિકને તકરાર થઇ હતી. ત્યારે ટેન્કર ચાલકે ધમકી આપી હતી. કારમાં બ્લાસ્ટ થતા આગ લગાવવા આવેલો વ્યક્તિ પણ દાઝી ગયો હતો. આ સમગ્ર મામલે પાલડી પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
શહેરના પાલડી મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે આવેલી દિપકનગર સોસાયટીમાં રહેતા મિતેષ શાહે નોધાવેલી ફરિયાદની
વિગતો એવી છે કે ગત ૮મી મેના રોજ રાતના સમયે
તે જમવા માટે બેઠા હતા ત્યારે ઘરની બહાર પાર્ક કરેલી કારમાં ઘડાકો થયો હતો.
જેથી તે દોડીને બહાર આવ્યા હતા. ત્યારે જોયુ તો કારની અંદર આગ લાગતા ધુમાડા બહાર નીકળતા
હતા. આ સમયે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા
આગને કાબુમાં લેવામાં આવી હતી. બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કારમાં આગ લગાવવા
માટે આવેલો એક સ્કૂટર ચાલક પણ દાઝી ગયો હતો. પરંતુ, તે લોકોને જોઇને ત્યાંથી નાસી ગયો હતો. જેથી સીસીટીવીને આધારે
તપાસ કરતા આ સ્કૂટરચાલકનું નામ રાજેશ ઠાકોર (રહે.મણીબાની ચાલી, પી ટી ઠક્કર કોલેજ
રોડ, પાલડી) હોવાનું
જાણવા મળ્યું હતું. રાજેશ ઠાકોર બનાવના થોડા દિવસ પહેલા પાણીનું ટેન્કર લઇને પસાર
થતો હતો ત્યારે મિતેષ શાહ સાથે કારને પાર્ક કરવા મામલે તેણે તકરાર કરી હતી અને ધમકી
આપી હતી કે હવે તારી કાર રહેશે ત્યારે તુ પાર્ક કરીશને?
જે બાદ તેણે અદાવત રાખીને કારમાં આગ લગાવી હતી. આ અંગે પાલડી
પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સળગાવવામાં આવેલી કાર વિસ્મય શાહ કેસમાં મહત્વનો પુરાવો હતી
મિતેષ શાહની સળગાવવામાં આવેલી કાર અમદાવાદના ચકચારી વિસ્મય શાહ
કેસના મહત્વની પુરાવો સાબિત થઇ હતી. વિસ્મય શાહે જ્યારે પ્રેમચંદનગર ત્રણ રસ્તા પાસે પુરઝડપે કાર ચલાવીને
ટુ વ્હીલર પર જતા યુવકોને અડફેટે લીધા હતા . તે
પહેલા પોતાની કારથી જજીસ બંગ્લોઝ રોડ
પર આવેલી પ્રાઇડ હોટલ પાસે મિતેષ શાહની કારને
ટક્કર મારી હતી. પરંતુ,
સદનસીબે મોટા અકસ્માત થયો નહોતો પરંતુ,
તે બાદ વિસ્મયે બે યુવકોના જીવ લીધા હતા. આ સમગ્ર કેસની તપાસમાં મિતેષ શાહનું નિવેદન
અને તેની કાર સાથે થયેલો અકસ્માત પોલીસ તપાસ માટે મહત્વના સાબિત થયા હતા.