કુખ્યાત મોન્ટુ નામદાર ફાર્મ હાઉસથી નાસી ગયો હોવાનો ચોંકાવનારો ખુલાસો
જાપ્તા પાર્ટીના સ્ટાફને ગામડી ગામના ફાર્મ હાઉસ પર જમવા લઇ ગયો હતો
ફાર્મ હાઉસથી મોન્ટુ નાસી જતા પીએસઆઇ બી ડી પરમારે બચાવ માટે ખોટી સ્ટોરી બનાવી હતીઃપીએસઆઇ બી ડી પરમાર અને કોન્સ્ટેબલની ધરપકડ
અમદાવાદ,
સોમવાર
ખાડિયામાં બીજેપીના કાર્યકરની હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા મોન્ટુ નામદારને ગત ગુરૂવારે અમદાવાદની સેશન્સ કોર્ટમાં મુદ્દત માટે લાવવામાં આવ્યો હતો. તેને પરત લઇ જતા સમયે પોલીસને અસલાલી સર્કલ પાસે તે લઘુશંકા જવાનું કહીને નાસી ગયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે મામલે અમદાવાદ જિલ્લા પોલીસ વડાએ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ સોંપી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે કોર્ટ મુદ્ત પૂર્ણ કરીને બિલોદરા જેલ જતા હતા ત્યારે તે જાપ્તા પાર્ટીના સ્ટાફને જમવા માટે વચ્ચે આવતા ગામડી ગામના તેના ફાર્મ હાઉસ પર જમવા માટે લઇ ગયો હતો. જ્યાંથી તક મળતા તે નાસી ગયો હતો. આ કેસમાં પોલીસે જાપ્તા પાર્ટીના પીએસઆઇ બી ડી પરમાર અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં હત્યા, હત્યાની કોશિષ , મારામારી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત આરોપી મોન્ટુ નામદારને નડિયાદની બિલોદરા જેલમાંથી ગત ગુરૂવારે અમદાવાદ સેશન્સ કોર્ટમાં ખાડિયામાં બીજેપીના કાર્યકર્તાની હત્યાના કેસની મુદ્દત માટે લાવવામાં આવ્યો હતો. સાંજના સમયે પરત જતા સમયે તે અસલાલી સર્કલ પાસેથી લઘુશંકાનું બહાનું બતાવીને ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ નડિયાદ પોલીસ જાપ્તાના પીએસઆઇ બી ડી પરમારે નોંધાવી હતી. જો કે આ કેસમાં શંકા હોવાથી જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ દ્વારા એલસીબીના પીઆઇ આર એન કરમટિયાને તપાસ સોંપવામાં આવી હતી. કેસની તપાસમાં પોલીસે જાપ્તા પાર્ટીના અધિકારી અને સ્ટાફની અલગ અલગ પુછપરછ કરવામાં આવી હતી. જેમાં કેટલીક શંકાસ્પદ બાબતો જણાઇ આવી હતી. સાથેસાથે અસલાલી સર્કલ પાસેના સીસીટીવી ફુટેજ અને તમામ સ્ટાફના મોબાઇલ લોકેશન તપાસ કરવામાં આવતા કેટલાંક અલગ લોકેશન મળી આવ્યા હતા. જે મુખ્ય રૂટથી અલગ હતા. જેથી પુછપરછ કરતા જાપ્તા પાર્ટીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે કોર્ટથી બિલોદરા જેલ પરત જતા સમયે મોન્ટુ નામદારે તેમને વિનંતી કરી હતી કે તેને ડાયાબીટીશ હોવા છે અને ઘરનું ઘણા સમયથી જમ્યો નથી. નજીકમાં ગામડી ગામમાં આવેલા તેના ફાર્મ હાઉસ પર તેની પત્નીએ રસોઇ બનાવીને છે. તે જમીને જેલ પરત જતા રહીશું. જેથી પીએસઆઇ બી ડી પરમારે વાનને ફાર્મ હાઉસ પર લીધી હતી. જ્યાં એક રૂમમાં મોન્ટુ નામદાર તેની પત્ની સાથે જમવા બેઠો હતો અને બીજા રૂમમાં પોલીસ સ્ટાફ જમવા માટે બેઠો હતો.આ સમયે તક મળતા તે નાસી ગયો હતો. આ ઘટના બાદ પોતાની પોલ ન ખુલે તે માટે અસલાલી સર્કલ પાસે આવીને મોન્ટુ નામદાર નાસી ગયાનો મેસેજ કરીને પોલીસને ગેરમાર્ગે દોરી હતી.આ અંગે પોલીસે પીએસઆઇ બી ડી પરમાર અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.