કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર અસલાલી નજીકથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો
ખાડિયા હત્યા કેસની મુદ્દતમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં લવાયો હતો
મોન્ટુ નામદારને નડિયાદની બિલોદરા જેલમાં રખાયો હતોઃ ડાયાબીટીશની બિમારી હોવાથી બાથરૂમ કરવાનું કહીને નીચે ઉતર્યા બાદ નાસી ગયો
,
ગુરૂવાર
હત્યા, લૂંટ અને ખંડણી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત આરોપી મોન્ટુ નામદારને ખેડાની બિલોદરા જેલમાંથી બુધવારે અમદાવાદ સેશન્સ કોર્ટમાં ખાડિયા હત્યા કેસની મુદ્ત માટે લાવવામાં આવ્યો હતો. જ્યાંથી પરત ફરતા સમયે અસલાલી પાસે બાથરૂમ જવાના બહાને નીચે ઉતરીને તે પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જો આ બનાવને ૨૪ કલાક ઉપરાંતનો સમય વીત્યા બાદ પણ તેનો પતો મળ્યો નથી. બીજી તરફ મોન્ટુ નામદારને ઝડપી લેવા માટે અમદાવાદ ગ્રામ્ય, શહેર અને ખેડા પોલીસે વિવિધ ટીમ બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ, ખેડા અને અન્ય શહેરોમાં હત્યા, હત્યાની કોશિષ, ખંડણી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા મોન્ટુ ઉર્ફે નામદાર ગાંધીને ખેડા જિલ્લાના બિલોદરામાં આવેલી જેલમાં રાખવામાં આવ્યો હતો. તેના વિરૂદ્વ વર્ષ ૨૦૨૨માં ખાડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસની મુદ્દત હોવાથી બુધવારે સવારે તેને નડિયાદ પોલીસના પીએસઆઇ ડી બી પરમાર અને અન્ય સ્ટાફ દ્વારા સવારે બિલોદરા જેલમાંથી અમદાવાદ ભદ્ર સીટી સિવિલ સેશન્સ કોર્ટમાં મુદ્દત માટે લાવવામાં આવ્યો હતો. સાંજના પાંચ વાગે કોર્ટની કામગીરી પૂર્ણ થયા બાદ તેને ફરીથી બિલોદરા જેલમાં લઇ જવા માટે નીકળ્યા હતા. સાંજના સાડા છ વાગ્યાની આસપાસ અસલાલી સર્કલ પાસે પહોંચ્યા ત્યારે મોન્ટુએ પીએસઆઇ ડી બી પરમારને કહ્યું હતું કે તેને ડાયાબીટીશની બિમારી હોવાને કારણે વાંરવાંર બાથરૂમ જવું પડે છે. જેથી સર્વિસ રોડ પાસે જાપ્તા વાન ઉભી રાખીને પોલીસ સ્ટાફ તેને લઇને નીચે ઉતર્યો હતો. આ સમયે તે ટ્રક પાછળથી નજર ચુકવીને ફરાર થઇ ગયો હતો. જેથી સ્ટાફ દ્વારા આસપાસમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ, તેનો કોઇ પત્તો લાગ્યો નહોતો. જે અંગે પોલીસ કંટ્રોલમાં મેસેજ કરીને જાણ કરીને અસલાલી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોન્ટુ નામદારે અમદાવાદમાં સેશન્સ કોર્ટથી જ નાસી જવાની યોજના બનાવી હોવાની શક્યતા છે. જેના આધારે અમદાવાદ શહેર પોલીસ, ગ્રામ્ય પોલીસ અને ખેડા પોલીસે વિવિધ ટીમ બનાવીને તેની શોધખોળ શરૂ કરી છે.