MBBSમાં પ્રથમ વર્ષ પાસ કર્યા વિના બીજા વર્ષમાં પ્રવેશ નહીં
મેડિકલ કમિશનની વિદ્યાર્થીઓ માટે સ્પષ્ટતા
બીજા વર્ષની ટ્રેનિંગ માટે પ્રથમ વર્ષની ફાઈનલ પરીક્ષા વિદ્યાર્થીએ પાસ કરવી ફરજિયાત
અમદાવાદ : નેશનલ મેડિકલ કમિશને યુજી મેડિકલ-એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે મેડિકલ કાઉન્સિલના નિયમ મુજબ પ્રથમ વર્ષ પાસ કર્યા વગર બીજા વર્ષમાં પ્રવેશ નહી મળી શકે. એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ બીજા વર્ષની ટ્રેનિંગ માટે પ્રથમ વર્ષની ફાઈનલ પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે.
નેશનલ મેડિકલ કમિશને તેની એડવાઈઝરીમાં સ્પષ્ટતા કરી છે કે ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનના રેગ્યુલેશન્સ મુજબ એમબીબીએસમાં ફર્સ્ટ પ્રોફેશનલ સેકન્ડ એમબીબીએસની ટ્રેનિંગ મેળવવા માટે ફરજીયાત છે. જેથી તમામ વિદ્યાર્થીઓને અવગત કરવામા આવે છે કે ફર્સ્ટ એમબીબીએસની પરીક્ષા પાસ નહી કરી હોય તો સેકન્ડ એમબીબીએસમાં પ્રમોટ નહી કરવામા આવે એટલે કે વિદ્યાર્થીને બીજા વર્ષમાં પ્રવેશ નહી મળે.
આ ઉપરાંત વિદ્યાર્થી ફાઈનલ રેગ્યુલર પરીક્ષામાં નાપાસ થયા બાદ સપ્લીમેન્ટરી પરીક્ષા નાપાસ થશે તો ફર્સ્ટ એમબીબીએસનો કોર્સ કરિક્યુલમ રીપિટ કરવો પડશે અને નવી બેચ સાથે ફર્સ્ટ એમબીબીએસની યુનિ.ની પરીક્ષા આપવી પડશે.
કોરોનાને લીધે છેલ્લા બે વર્ષમાં મેડિકલની પરીક્ષાઓ પણ ખોરવાતા એમબીબીએસના વિદ્યાર્થીઓને ઘણી રાહત પણ અપાઈ હતી અને મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામા આવ્યુ હતું.જો કે અન્ય કોર્સની જેમ મેડિકલમાં કેરી ફોરવર્ડ સીસ્ટમ નથી . પ્રથમ વર્ષ પાસ કર્યા વગર બીજા વર્ષમાં વિદ્યાર્થીને પ્રવેશ અપાતો નથી.