Get The App

ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લક્ઝરી બસ, ટ્રક-ડમ્પર અને રિક્ષા ચાલકો સામે કોઇ કાર્યવાહી નહી

પ્રતિબંધિત સમયમાં પણ શહેરના માર્ગો પર હજારો હેવી વ્હિકલ ફરે છે, ધૂમાડા ઓકતી રિક્ષાના ચાલકો મીટર પર નહી મનફાવે તેમ ભાડા વસુલે છે

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લક્ઝરી બસ, ટ્રક-ડમ્પર અને રિક્ષા ચાલકો સામે કોઇ કાર્યવાહી નહી 1 - image


વડોદરા : ટ્રાફિકની વધતી સમસ્યા વચ્ચે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહીના હૂકમ બાદ આખુ પોલીસ તંત્ર વડોદરાના રસ્તાઓ ઉપર ઉતરી પડયુ છે અને રોજ નિયમ ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી લાખો રૃપિયાનો દંડ ઉધરાવે છે. પરંતુ પોલીસની હાજરીમાં પોલીસની નજર સામે જ ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા લક્ઝરી બસ ચાલકો, ડમ્પર અને ટ્રક ચાલકો અને ઓટોરિક્ષાના ચાલકો અને તેના માલિકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ છે અને આવા તત્વો સામે કડકકાર્યવાહી કરીને વડોદરાના રસ્તાઓને સુરક્ષિત કરવા માગ ઉઠી છે.

ટ્રાફિક ઉપર ભારણ પડે નહી અને અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે ઘણા વર્ષોથી સવારના ૮ થી બપોરના ૧ અને સાંજે ૪ થી રાતના ૮ દરમિયાન શહેરના માર્ગો પર હેવી વ્હિકલ પ્રતિબંધિત છે.તેમ છતાં લક્ઝરી બસો, ડમ્પરો અને હેવી ટ્રક પ્રતિબંધિત સમયમાં પણ શહેરના મુખ્યમાર્ગો પર ખુલ્લેઆમ ફરતા હોય છે. એટલુ જ નહી ટ્રાફિકવાળા રસ્તાઓ ઉપર પણ સ્પીડમાં આડેધડ વાહન ચલાવતા હોય છે. મોટાભાગના હેવી વ્હિકલમાં આરટીઓના નિયમ વિરૃધ્ધ હેવી હોર્ન લગાવેલા હોય છે. વાહનોમાં ૯૩ થી ૧૧૨ ડેસિબલ કેપિસિટીના હોર્ન લગાવી શકાય છે પરંતુ હેવી વ્હિકલમાં ૫૦૦થી ૧૧૦૦ ડેસિબલના હોર્ન લાગેલા હોય છે જે કાન ફાડી નાખે તેવો અવાજ કરે છે. જેના કારણે આસપાસના વાહન ચાલકો ડ્રાઇવ કરતી વખતે ગભરાઇ જાય છે અને અકસ્માત કરી બેસે છે આ ઉપરાંત શ્રવણ શક્તિને પણ ભારે નુકસાન થાય છે.

 બીજા તરફ રસ્તાઓ જાણે પોતાની ખાનગી મિલકત હોય તેમ ઓટો રિક્ષા ચલાકો રસ્તાઓ ઉપર આડેધડ રિક્ષા ચલાવતા નજરે પડે છે. મનફાવે ત્યારે સિગ્નલ આપ્યા વગ ટર્ન લઇ લેવો, ઇચ્છા થાય ત્યારે બ્રેક મારીને ટ્રાફિકને અવરોધવો, ડુપ્લિકેટ ઓઇલ વાપરીને ધુમાડાનું પ્રદર્શન કરવુ, રેલવે સ્ટેશન અને બસ ડેપો પાસે મહિલા મુસાફરો સાથે ડબલ મિનિંગમાં વાત કરવી, લુખ્ખાગીરી કરવી, દાદાગીરી કરવી, મીટર વગર જ રિક્ષા ચલાવી મનફાવે તેવુ ભાડુ વસુલ કરવુ જેવા અનેક ગુનાઓ અને નિયમભંગ કરતા હોવા છતાં જાણે જમાઇરાજાઓ હોય તેમ પોલીસ તંત્ર અને આરટીઓ ચુપચાપ સહન કરે છે. 

રાત્રે ટ્રાફિક સિગ્નલ ચાલુ રાખવાના નિર્ણયનો ફજેતો કરતા વાહનચાલકો

શહેરના મુખ્ય માર્ગો પર મોડી રાત્રે પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ રાખવાનો નિર્ણય વડોદરા પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. જો કે આ સંબંધે કોઇ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ નથી કે નથી કોઇ જાહેરાત કરવામાં આવી પરંતુ રાત્રે ૧૦ વાગ્યા બાદ પણ શહેરના ટ્રાફિક સગ્નલો હવે ચાલુ રહે છે.

જો કે પોલીસના આ નિર્ણયની વડોદરાના અસમાજિક તત્વ સમાન કેટલાક વાહન ચાલકો દ્વારા રોજ ફજેતો કરવામાં આવે છે. રેડ સિગ્નલ ચાલુ હોવા છતા પણ આવા વાહન ચાલકો સિગ્નલ તોડીને અન્ય લોકોના જીવ જોખમમા મુકી રહ્યા છે. શહેરના મોટાભાગના ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ પર સી.સી.ટીવી લાગેલા છે તો નિયમ ભંગ કરતા આવા વાહનચાલકો સીસી ટીવીમાં નથી દેખાતા ?


Google NewsGoogle News