Get The App

ઓફલાઈન પરીક્ષાને લઈને રાજ્ય બહારના વિદ્યાર્થીઓનો હોબાળો

નિરમા યુનિવર્સિટીમાં રહેવા-જમવાની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે રહેવુ પડે તેમ હોઈ ઉગ્ર વિરોધ

Updated: Nov 15th, 2021


Google NewsGoogle News
ઓફલાઈન પરીક્ષાને લઈને રાજ્ય બહારના વિદ્યાર્થીઓનો હોબાળો 1 - image

અમદાવાદ,રવિવાર

યુનિ.ઓમાં હવે વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ શરૃ થનાર છે ત્યારે આ વર્ષે તમામ યુનિ.ઓમાં ઓફલાઈન પરીક્ષા જ લેવામા આવનાર છે.પરંતુ નિરમા યુનિ.માં ઓફલાઈન પરીક્ષાને લઈને રાજ્ય બહારના વિદ્યાર્થીઓએ રહેવા અને જમવાની સુવિધાને લઈને મુશ્કેલી પડતી હોવાથી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

કોરોનાને પગલે યુનિ.ઓએ ૨૦૨૦ની સમર સેમેસ્ટર તેમજ ૨૦૨૧ની સમર સેમેસ્ટર પરીક્ષાઓ સહિત છેલ્લા ત્રણ સેમેસ્ટર પરીક્ષાઓમાં ઓનલાઈન-ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ વિદ્યાર્થીઓને આપ્યો હતો. પરંતુ હવે કોરોનાની સ્થિતિ સુધરી હોઈ અને સરકારે પણ ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી છે ત્યારે યુનિ.ઓ દ્વારા હવેની વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં જ લેવામા આવનાર છે. નિરમા યુનિ.દ્વારા લેવામા આવનાર આગામી સેમેસ્ટર પરીક્ષાઓમાં ઓનલાઈન વિકલ્પ આપવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે.ખાસ કરીને વિવિધ કોર્સમાં ભણતા રાજ્ય બહારના વિદ્યાર્થીઓએ હોસ્ટેલ અને જમવા સહિતની સુવિધાઓ મુશ્કેલ હોવાથી ઓફલાઈન પરીક્ષાનો વિરોધ નોંધાવ્યો છે.૮૦૦થી વધુ વિદ્યાર્થીઓએ તેમની સહી સાથે ઓનલાઈન પિટિશન પણ શરૃ કરી છે.

રાજ્ય બહારના અને દૂર દૂરના જિલ્લાઓમાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે ઓનલાઈન અભ્યાસ ચાલતો હોવાથી વિદ્યાર્થીઓ શહેરમાં પીજીમાં કે ભાડે રૃમ રાખીને રહેતા ન હતા.પરંતુ હવે ઓફલાઈન પરીક્ષા ફરજીયાત હોવાથી તેઓએ થોડા દિવસો માટે ઘર ભાડે રાખવુ પડે તેમ છે અથવા વધુ રૃપિયા ખર્ચીને હોટલોમાં રહેવુ પડે તેમ છે. થોડા દિવસ માટે પીજીના રૃમ કે ફેલ્ટના રૃમ પણ મળતા નથી. યુનિ.દ્વારા રહેવાની કે જમવાની કોઈ સુવિધા અપાતી નથી.બીજી બાજુ યુનિ.દ્વારા જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા ન માંગતા હોય તેઓને પુરક પરીક્ષાનો વિકલ્પ અપાયો છે અને તે પરીક્ષા પણ જો ન આપી શકે તો એક સત્ર બાદ આવનારી નવી સેમેસ્ટર પરીક્ષાઓમાં બેસવાનો વિકલ્પ આપ્યો છે.

 

 


Google NewsGoogle News