રિયાલિટી ચેક : એક બટન દબાવતાં જ પોલીસ કંટ્રોલ રૂમનો થયો સંપર્ક, અમદાવાદમાં ઠેકઠેકાણે લગાવાયા ઇમરજન્સી કોલ બોક્સ

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
રિયાલિટી ચેક : એક બટન દબાવતાં જ પોલીસ કંટ્રોલ રૂમનો થયો સંપર્ક, અમદાવાદમાં ઠેકઠેકાણે લગાવાયા ઇમરજન્સી કોલ બોક્સ 1 - image


'Nirbhaya Safe City' project In Ahmedabad : કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દેશના આઠ શહેરોમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટની શરુઆત કરાઈ છે. અમદાવાદમાં પણ નિર્ભયા અમદાવાદ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી શરુ કરી દેવાઈ છે. 'નિર્ભયા સેફ સિટી' પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં અમદાવાદ શહેરના 180 જેટલા વિસ્તારોમાં ઇમરજન્સી કોલ બોક્સ લગાવાયા છે. શહેરમાં પહેલા તબક્કામાં કુલ 300 જેટલા કોલ બોક્સ લગાવાશે. પરંતુ શહેરમાં લગાવાયેલા ઇમરજન્સી કોલ બોક્સ કાર્યરત છે કે કેમ તે જાણવા માટે ગુજરાત સમાચાર ડિજીટલની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જે દરમિયાન જ્યારે ઇમરજન્સી બોક્સનું હેલ્પ બટન દબાવતાં જ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક થયો હતો. કંટ્રોલ રૂમ તરફથી નામ, નંબર અને ઘટના અંગે પૂછવામાં આવ્યું હતું. જેને લઈને એ પુષ્ટિ થઈ હતી કે આ ઇમરજન્સી બોક્સ કાર્યરત છે.

રિયાલિટી ચેક : એક બટન દબાવતાં જ પોલીસ કંટ્રોલ રૂમનો થયો સંપર્ક, અમદાવાદમાં ઠેકઠેકાણે લગાવાયા ઇમરજન્સી કોલ બોક્સ 2 - image

ઈમરજન્સી કોલ બોક્સનું એક બટન દબાવતા જ પોલીસને થશે કોલ

કોલ બોક્સની ખાસિયત એ છે કે કોઈ વ્યક્તિને તાત્કાલિક પોલીસની મદદ જોઈતી હોય તો બોક્સનું બટન દબાવવાથી પોલીસ કંટ્રોલ રૂમ અને નજીકની પીસીઆર વાનને મેસેજ મળી જાય છે અને ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી શકે છે. આ કોલ બોક્સમાં વીડિયો કોલની પણ સુવિધા છે. જેથી કોલ કરનારની માહિતી પણ મળે છે. ખાસ કરીને જાહેર સ્થળો પર મહિલાઓની છેડતી કે કોઈને પડતી મુશ્કેલી સમયે આ સિસ્ટમ ઉપયોગી બને છે. પોલીસના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટ મહિલા સુરક્ષાનો છે પરંતુ, આ પ્રોજેક્ટ સિનિયર સિટીઝન સહિત તમામ લોકો માટે ઉપયોગી છે. હાલ આ પ્રોજેક્ટ અમદાવાદ સહિત, દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચેન્નાઈ, બેંગાલુરૂ, હૈદરાબાદ અને લખનૌમાં કાર્યરત કરાયો છે.

રિયાલિટી ચેક : એક બટન દબાવતાં જ પોલીસ કંટ્રોલ રૂમનો થયો સંપર્ક, અમદાવાદમાં ઠેકઠેકાણે લગાવાયા ઇમરજન્સી કોલ બોક્સ 3 - image

અમદાવાદ શહેરની 180 જગ્યાઓ પર લગાવાયા કોલ બોક્સ

હાલ, અમદાવાદ શહેરમાં સિવિલ હૉસ્પિટલ, શાહીબાગ પોલીસ ચોકી, રાજસ્થાન હૉસ્પિટલ, ડફનાળા, સર્કિટ હાઉસ, આસ્ટોડિયા દરવાજા, સરદાર ભવન, રાયપુર દરવાજા, સારંગપુર, અપના બજાર, ભદ્ર, સરદારબાગ, અંકુર, દિલ્હી દરવાજા, પોલીસ કમિશ્નર ઑફિસ, એલજી હૉસ્પિટલ, ખોખરા, સીટીએમ ક્રોસ રોડ, સોનીની ચાલ, વિરાટ નગર, ઠક્કરબાપા એપ્રોચ, ઉત્તમ નગર, ખોડિયાર નગર (નિકોલ), ઇન્દિરા વિહાર સોસાયટી, લીલા નગર, અર્બુદા નગર, રાજ રત્ન સોસાયટી, રબારી કોલોની ક્રોસ રોડ, અજીત મિલ, નારણ ઘાટ, ગોમતીપુર દરવાજા, શારદાબેન હૉસ્પિટલ, લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ, બાપુનગર ચાર રસ્તા, નરોડા, ગેલેક્ષી સિનેમા, સૈજપુર, કૃષ્ણનગર, કર્મચારી નગર, શાસ્ત્રીનગર, નવા વાડજ, સ્ટેડિયમ, આઇઆઇએમ, માનસી કોમ્પ્લેક્ષ, ઓઢવ, રામબાગ, એલજી કોર્નર, કાંકરિયા ઝૂ, સીમા હોલ, આનંદનગર, પ્રહ્લાદ નગર ક્રોસ રોડ, ઇસ્કોન મંદિર, શ્યામલ ક્રોસ રોડ, નટરાજ સિનેમા, સોલા હાઉસિંગ, ઓએનજીસી ઑફિસ, ચાંદખેડા ગામ, નવરંગપુરા, વિસત સર્કલ, ગાયત્રી વિદ્યાલય, વાસણા, ભીમજીપુરા, સુભાષ બ્રિજ, પાલડી, વાસણા, લૉ કૉલેજ, ગાંધીગ્રામ રેલવે સ્ટેશન, ગુજરાત કૉલેજ, સી. એન. વિદ્યાલય, વી. એસ. હૉસ્પિટલ, પંચવટી, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, પાંજરાપોળ, કોમર્સ કૉલેજ,  પ્રગતિનગર સહિતની 180 જગ્યાઓ પર કોલ બોક્સ લગાવાયા છે. હાલ, કોલ બોક્સ લગાવવાની કામગીરી ચાલુ છે.

રિયાલિટી ચેક : એક બટન દબાવતાં જ પોલીસ કંટ્રોલ રૂમનો થયો સંપર્ક, અમદાવાદમાં ઠેકઠેકાણે લગાવાયા ઇમરજન્સી કોલ બોક્સ 4 - image

અમદાવાદમાં 500 જેટલા હોટસ્પોટ

નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ હેઠળ ઇન્ટીગ્રેટેડ અને ઇન્ટેલિજન્ટ પોલીસ પ્લેટફૉર્મ તૈયાર કરાયું છે. જેમાં 100 સિટીઝન પોર્ટલનો ડેટા અને સોશિયલ મીડિયાનો ડેટા ઇન્ટિગ્રેડ થશે. આ સિવાય સિક્યુરિટી સર્વિલન્સ માટે શહેરમાં સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ 500 જેટલા હોટસ્પોટ નક્કી કરાયા છે કે, જ્યાં મહિલાઓને લગતાં બનાવો વધારે પ્રમાણમાં બની શકે છે. જેમાં 250 લોકેશન રિવરફ્રન્ટ પર અને 150 જેટલા લોકેશન શહેરના બસ સ્ટેન્ડ પર નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએ કુલ 650થી વધુ કેમેરા પણ લગાવાશે.

રિયાલિટી ચેક : એક બટન દબાવતાં જ પોલીસ કંટ્રોલ રૂમનો થયો સંપર્ક, અમદાવાદમાં ઠેકઠેકાણે લગાવાયા ઇમરજન્સી કોલ બોક્સ 5 - image

'મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સલામતી માટે લગાવાયા બોક્સ'

સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજય કુમાર ચૌધરીએ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે, "મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સલામતી માટે, અમે 180થી વધુ વિસ્તારોમાં ઇમરજન્સી કોલ બોક્સ લગાવ્યા છે. તેથી કોઈને કોઈ સમસ્યા હોય, તો તે તેને દબાવી શકે છે, અને પોલીસ કંટ્રોલ રૂમને વીડિયો કોલ મળશે અને મદદ માટે પોલીસ તરત જ આવી જશે.  આ એક ટુ વે કોમ્યુનિકેશન સિસ્ટમ છે જે 'નિર્ભયા સેફ સિટી' પ્રોજેક્ટ હેઠળ છે. સેફ સિટી પ્રોજેક્ટનો હેતુ લિંગ આધારિત હિંસા, ઉત્પીડનના ભય વિના જાહેર સ્થળોએ મહિલાઓ માટે સલામત, સુરક્ષિત અને સશક્તિકરણ વાતાવરણ બનાવવાનો છે.

રિયાલિટી ચેક : એક બટન દબાવતાં જ પોલીસ કંટ્રોલ રૂમનો થયો સંપર્ક, અમદાવાદમાં ઠેકઠેકાણે લગાવાયા ઇમરજન્સી કોલ બોક્સ 6 - image

શહેરની એક લાખ રીક્ષાઓમાં લગાવાશે ક્યુઆર કોડ

આ પ્રોજેક્ટની સૌથી મહત્ત્વની બાબત કહીએ તો એ છે કે, શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ચાલતી એક લાખ રીક્ષાઓ પસંદ કરવામાં આવશે જેમાં ક્યુઆર કોડ લગાવવામાં આવશે જે ક્યુઆર કોર્ડ સ્કેન કરતાં જ ડ્રાઇવરની તમામ વિગતો મેળવી શકાશે એટલું જ નહીં તેનું લાઇવ લોકેશન પણ મેળવી શકાશે. જેથી મહિલાઓને સુરક્ષા આપી શકાશે.

જણાવી દઈએ કે, આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 220.11 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ મહિલાઓ સામેના ક્રાઇમને ઘટાડવા, જાહેર સ્થળ અને પરિવહનના સ્થળ પર મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા,  મહિલાઓ-બાળકો અને વરિષ્ઠ નાગરિકો નિર્ભય પણે અમદાવાદ શહેરમાં મુસાફરી કરવા કરવા તેમજ રહેવા માટે સક્ષમ બને તે સુનિશ્ચિત કરવાનો છે. જણાવી દઈએ કે,બીજી તરફ, આ કોલ બોક્સ લગાવાયા બાદ સારા પરિણામો મળી રહ્યા છે અને પ્રતિદિન 100 જેટલા કોલ મળી રહ્યા છે. આ કોલ બોક્સથી કેટલીક ફરિયાદો પણ આવી ચૂકી છે અને આરોપીઓને દબોચી પણ લેવાયા છે. આ કોલ બોક્સ પ્રોજેક્ટમાં કોઈ વ્યક્તિ કોલ બોક્સની મદદથી પોલીસ કંટ્રોલ રૂમનો સીધો સંપર્ક કરી શકે છે. 

Google NewsGoogle News