નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે ત્રણ લેયર લોંખડી બંદોબસ્ત ગોઠવાશે

દિલ્હીમાં આવેલા ધમકી ભર્યા ઇ-ઇમેઇલના પગલે એલર્ટ

અમદાવાદ પોલીસ પાંચ હજારથી વધારાનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવશે એટીએસ, ક્રાઇમબ્રાંચ સહિતની એજન્સીઓને એલર્ટ કરવામાં આવી

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે  ત્રણ લેયર લોંખડી બંદોબસ્ત ગોઠવાશે 1 - image

અમદાવાદ, શનિવાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી ધમકીની સાથે મેચ સમયે નરેન્દ્ર મોદી સ્ટેડિયને ઉડાવી દેવાની ધમકી ઉપરાંત, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને  છોડી દેવા અને રૂપિયા ૫૦૦ કરોડની ખંડણી માંગતો ઇમેઇલ આવ્યા અંગે એનઆઇએ દ્વારા ગુજરાત પોલીસને જાણ કરવામાં આવી છે. જેના પગલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી ૧૪મી ઓક્ટોબરના રોજ  યોજાનારી મેચમાં પાંચ હજારથી વધારે પોલીસ સ્ટાફને  તૈનાત કરવામાં આવશે.  તેમજ  સોશિયલ મિડીયાથી માંડીને શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દિલ્હીમાં એનઆઇએને ધમકી ભર્યો ઇમેઇલ કરવામાં આવ્યો હતો. જેમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ આગામી ૧૪મી ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ દરમિયાન નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે એનઆઇએ દ્વારા ગુજરાત પોલીસને તાત્કાલિક એલર્ટ આપવામાં આવ્યું હતું. જે અનુસંધાનમાં રાજ્યના ગૃહવિભાગે ડીજીપી વિકાસ સહાય અને અમદાવાદના પોલીસ કમિશનર  જી એસ મલિક સાથ તાત્કાલિક બેઠક કરીને જરૂરી પગલાં ભરવા માટે સુુચના આપવામાં આવી હતી. આ અનુસંધાનમાં  સેક્ટર-૧ જેસીપી ચિરાગ કોરડીયાએ જણાવ્યું હતું કે  ધમકી ભર્યા ઇમેઇલને પગલે પોલીસને સંતર્ક કરવામાં આવી છે. આ માટે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ૧૧મી તારીખથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. જેમાં  સ્ટેડિયમ અને આસપાસમાં થતી તમામ હિલચાલ પર નજર રાખવામાં આવશે. આ માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચને જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને ૧૪મી તારીખે ભારત-પાકિસ્તાનની  મેચ હોવાથી અન્ય મેચ કરતા વિશેષ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જેમાં પાંચ હજારથી વધારે પોલીસ સ્ટાફ તૈનાત રહેશે.  અને એસઆરપીની સહિતની  કંપનીને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. સાથેસાથે મેચ જોવા આવનારની ત્રણ લેયરમાં ચકાસણી પણ થશે. સાથેસાથે  સોશિયલ મિડીયા પર નજર રાખવા માટે સાયબર ક્રાઇમની એક ટીમ તૈયાર કરવામાં આવી છે. આમ, અમદાવાદમાં લોંખડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 


Google NewsGoogle News