સગીર મજુર પાસે ખોદકામ કરાવતા કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી થઇ
સેેટેલાઇટ વિશાલ ટાવર પાસે સગીર મજૂર પાસે ગટરનુ ખોદકામ કરાવવામાં આવી રહ્યું હતું
અમદાવાદ,બુધવાર
સગીર બાળક પાસે મજુરી કરાવવી તે ગુનાહિત બાબત હોવા છતાંય, સરકારી કામમાં બાળકો પાસે મજુરી કરાવવામાં આવતી હોવાના અનેક કિસ્સા સામે આવે છે.ત્યારે શહેરના સેટેલાઇટમાં આવેલા વિશાલ ટાવર પાસે ૧૪ વર્ષના બાળક પાસે ગટરનું ખોદકામ કરાવવામાં આવતા આનંદનગર પોલીસે કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના આનંદનગરમાં આવેલા અગ્રવાલ ટાવરમાં રહેતા શીતલબેન પ્રદીપ બચપન બચાવો સંસ્થામાં કામગીરી કરે છે. તેમની સંસ્થાના એક કાર્યકર વિશાલ ટાવર ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા. ત્યારે ગટરનું ખોદકામ એક સગીર બાળક કરી રહ્યો હતો. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર વિમલભાઇ પટેલ (રહે.દ્વારા કોલોની, વસ્ત્રાલ) દ્વારા લાવવામાં આવેલો હતો. સગીર બાળકની ઉમર ૧૪ વર્ષની હતી. જેથી આ અંગે આનંદનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. -જે બાળકને પોલીસે ચિલ્ડ્રન હોમ્સ ફોર બોયસ પાલડી ખાતે મોકલી આપ્યો હતો. આ અગે શીતલબેને જણાવ્યું કે અગાઉ મેટ્રોના પ્રોજેક્ટમાં પણ સગીર મજુરને છોડાવવામાં આવ્યો હતો. સરકારી વિભાગોના કોન્ટ્રાક્ટરો દ્વારા જ નિયમોનો ભંગ કરવામાં આવે છે.ત્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે આકરા પગલા ભરવામાં આવે તે જરૂરી છે. આગામી દિવસોમાં બચપન બચાવો સંસ્થા દ્વારા બાળ મજુરોને છોડાવીને આવા કોન્ટ્રાક્ટરો સામે ઝુંબેશ ચલાવવામાં આવશે.