NFSUના કુલપતિ જે એમ વ્યાસે ફોરેન્સિક સાયન્સમાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યા
વિશ્વના અગ્રણી ફોરેન્સિક સાયન્ટીસ્ટ્સમાં સમાવિષ્ટ
૧૯૭૩માં ગુજરાતની સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીથી માંડીને એનએફએસયુ સુધીની સેવામાં સક્રિય
અમદાવાદ,સોમવાર
વિશ્વના એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે એમ વ્યાસે ફોરેન્સિક સાયન્સમાં ૫૦ વર્ષ પૂર્ણ કરીને તે દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ફોરેન્સિક એક્સપર્ટ બન્યા છે. ગુજરાતની સૌ પ્રથમ ફોેરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તે ૧૯૭૩માં જોડાયા હતા અને હાલ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કાર્યરત છે.ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે એમ વ્યાસે ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રમાં અનોખી સિદ્ધી હાંસલ કરી છે. જેમાં તે ે ફોરેન્સિક ક્ષેત્રમાં ૫૦ વર્ષ પૂર્ણ કરવાની સાથે દેશમાં સૌથી લાંબો સમય સુધી ફોરેન્સિક સાયન્સમાં સેવા આપનાર વ્યક્તિ બન્યા છે. આ બાબતની નોંધ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા લેવામાં આવવાની સાથે સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાતના સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની શરૂઆત ૧૯૭૩માં થઇ ત્યારે તે ફોરેન્સિક એક્સપર્ટ તરીકે જોડાયા હતા અને ૧૯૯૩થી વર્ષ ૨૦૧૯ સુધી ફોરન્સીક સાયન્સ ડાયરેક્ટોરેટના ડાયરેક્ટર તરીકે કાર્યરત રહ્યા હતા. વર્ષ ૨૦૨૦થી તે વિશ્વની સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં એનએફએસયુમાં કુલપતિ તરીકે કાર્યરત છે. આ યુનિવર્સિટી સ્થાપનામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. વર્ષ ૨૦૨૨માં તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, તેમને અનેક આંતરરાષ્ટ્ીય ક્ષેત્ર સાતથી વધુ સન્માન મળી ચુક્યા છે.