વૈજ્ઞાાનિક ઢબે કરાયેલો સર્વે ખોટો જંત્રી માટે નવેસરથી સર્વે કરો
નવી જંત્રી સામે વિરોધ અને સૂચનો માટે તા.૨૦ ડિસેમ્બર સુધીની મર્યાદા વધારી તા.૩૧ માર્ચ સુધી કરવી જોઇએ
વડોદરા, તા.1 રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીના ઉઁચા ભાવોને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જબરજસ્ત વિરોધ ઊભો થઇ રહ્યો છે. રિયલ એસ્ટેટ સેકટરને મોટી અસર પડે તેવી લાંબા ગાળાની અસરના કારણે સરકાર દ્વારા જે નવી જંત્રી જાહેર કરવામાં આવી છે તેનો અમલ રિ સર્વે બાદ કરવાની માંગણી કરાશે તેમ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાાનિક સર્વે થયા બાદ નવી જંત્રી જાહેર કરી સરકાર દ્વારા જંત્રીના આ દરો સામે વાંધા સૂચનો તા.૨૦ ડિસેમ્બર સુધી મંગાવવામાં આવ્યા છે. જંત્રીના નવા દરો જાહેર થતાંની સાથે જ ભારે ઉહાપોહ શરૃ થઇ ગયો છે. રિયલ એસ્ટેટ સેક્ટરને સૌથી વધારે અસર પડનાર હોવાથી તે અંગે ગંભીર વિચારણા પણ થઇ રહી છે અને નવી જંત્રી સામે ઉગ્ર વિરોધ નોધાવવો તેવો એક સૂર ઉઠયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાજ્યભરના ક્રેડાઇના ૩૬ સિટિ ચેપ્ટરોની જોઇન્ટ મિટિંગ ગુજરાત ક્રેડાઇના નેજા હેઠળ મળી હતી. આ બેઠકમાં સરકારની નવી જંત્રીનો વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં એવું પણ નક્કી થયું હતું કે નવી જંત્રી સામે સૂચનો તેમજ વાંધાઓ રજૂ કરવા માટેની સમયમર્યાદા તા.૨૦ ડિસેમ્બર છે તે સમયમર્યાદા વધારીને તા.૩૧ માર્ચ ૨૦૨૫ સુધી કરવી જોઇએ. માત્ર ક્રેડાઇ જ નહી પરંતુ ખેડૂતો પણ વ્યક્તિગત રીતે સૂચનો કરી શકે તે માટે ઓનલાઇનના બદલે ઓફલાઇન વિરોધ કરી શકે તેવી સુવિદ્યા આપવી જોઇએ.
ગુજરાત ક્રેડાઇની બેઠકમાં દરેક સિટિ ચેપ્ટર સરકારની નવી જંત્રીના રેટને રિવ્યૂ કરે અને નવી જંત્રી તેમજ જૂની જંત્રીના રેટમાં વધારે વિરોધાભાસ જણાય તો સુધારો કરવા માટેનો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરી ગુજરાત ક્રેડાઇમાં પ્રથમ રજૂ કરે જેથી તમામ સિટિ ચેપ્ટરના અહેવાલ એકસાથે સરકારમાં રજૂ કરી નવી જંત્રીનો વિરોધ કરી શકાય તેમ પણ નક્કી થયું હતું. ક્રેડાઇ દ્વારા નવી જંત્રીના વિરોધમાં આગામી દિવસોમાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાશે તેમ જાણવા મળ્યું છે.