Get The App

યુકેના વર્ક પરમીટ વિઝાના નામે દંપતિ સાથે ૨૩.૫૦ લાખની છેતરપિડી

વર્ક પરમીટના નામે વિઝા કન્સ્લટન્ટે અનેકને છેતર્યા

લાખો રૂપિયા લીધા બાદ ફાઇલમાં ખોટો ડોક્યુમેન્ટ હોવાનુ કહીને એમ્બેસીમાંથી ફાઇલ પર લેવડાવી દીધી

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
યુકેના વર્ક પરમીટ વિઝાના નામે દંપતિ સાથે ૨૩.૫૦ લાખની છેતરપિડી 1 - image

અમદાવાદ,શનિવાર

નવરંગપુરા લૉ ગાર્ડન પાસે આવેલી સિન્ટ્રોફિયા ઓવરસીઝ નામની વિઝા કન્સ્લટન્ટન્સી એજન્સીના સંચાલકે એક દંપતિને યુકેમાં વર્ક પરમીટ સાથે વિઝા અપાવવાનું કહીને ૨૩.૫૦ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા  પોલીસ મથકે નોંધવામાં આવી છે.  આરોપીઓએ વર્ક પરમીટના વિઝાના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. શહેરના ઓઢવમાં રહેતા  સંકેત પરિહાર અને તેમની પત્નીને વર્ક પરમીટ સાથે યુકેમાં જવાનું હોવાથી તેમણે જાન્યુઆરી ૨૦૨૪માં લૉ ગાર્ડનમાં આવેલા સચેત-૨ સ્થિત સિન્ટ્રોફિયા  ઓવરસીઝ નામની કંપનીમાં સંપર્ક કર્યો હતો. જ્યાં મેનેજર તરીકે કામ કરતા દેવાંશી પટેલ સાથે મુલાકાત થઇ હતી. દેવાંશીએ તેમને વર્ક પરમીટ માટે ૩૫ લાખનોે ખર્ચ કહ્યો હતો. જો કે સિન્ટ્રોફિયા  ઓવરસીઝના માલિક અંકિત પટેલે તેમને ૩૦ લાખનો ખર્ચ ફાઇનલ કર્યો હતો. જેમાં  એડવાન્સમાં ત્રણ લાખ લઇને પ્રક્રિયા કરવાનું કહી મેડીકલ ચેકઅપ અને  આઇએલટીએસની પરીક્ષા પણ અપાવી હતી. ત્યારબાદ સ્પોન્સરશીપનો લેટર અપાવવાનું કહીને ૧૫ લાખ લીધા હતા. જો કે જુન મહિના સુધી કોઇ કાર્યવાહી કરી નહોતી અને સંકેતભાઇને ગોળ-ગોળ જવાબ આપ્યા હતા.

જો કે જુલાઇમાં તેમને વિઝા પ્રોસસ માટે બીજા પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા અને જો નાણાં જમા નહી થાય તો વિઝા કેન્સલ થઇ જશે. જેથી સંકેતભાઇએ તેમને નાણાં આપતા  અંકિતે તેમના બાયોમેટ્રીકની પ્રોસેસ કરાવી હતી. પરંતુ, બીજા દિવસે દેવાંશીએ ફોન કરીને ફાઇલમાં ખોટા દસ્તાવેજ હોવાથી ફાઇલ પરત લેવી પડશે. તેમ કહીને પરત લેવડાવી હતી. જો કે નાણાં પરત આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા. આ દરમિયાન સંકેતભાઇને જાણવા મળ્યું હતું કે અંકિત પટેલ અને દેવાંશી પટેલે આ મોડ્સ ઓપરેન્ડીથી અનેક લોકોને ટારગેટ કર્યા હતા. આ અગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News