યુવક પર કાર ચઢાવી દેવામાં આવી પણ હત્યાના પ્રયાસનો ગુનો ન નોંધ્યો

એસ પી રીંગ રોડ પાસેનીએક મહિના પહેલાની ઘટના

યુવકને ૨૩ ફેક્ચર્સ સાથે ગંભીર ઇજાઓ થતા હજુ સારવાર હેઠળઃ આરોપી ન પકડાતા પોલીસની કામગીરી પર શંકા

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
યુવક પર કાર ચઢાવી દેવામાં આવી પણ હત્યાના પ્રયાસનો ગુનો ન નોંધ્યો 1 - image

અમદાવાદ,બુધવાર

શહેરના નરોડા વિસ્તારમાં રહેતા યુવકને એક મહિના પહેલા પત્નીને મેસેજ કરવાની બાબતમાં એસ પી રીંગ પાસે લઇ જઇને અન્ય લોકોની મદદ લઇને તેને બેરહેમીપૂર્વક માર મારીને કાર ચઢાવીને હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત યુવક હજુપણ હોસ્પિટલમાં દાખલ છે. બીજી તરફ  હજુ સુધી હત્યાની કોશિષની કલમ ઉમેરી નથી અને આરોપીઓની ધરપકડ કરવામાં ન આવતા નરોડા પોલીસની કામગીરી શંકાના ઘેરાવામાં આવી છે. શહેરના નરાડામાં આવેલા વેદ કુટીર બંગ્લોઝમાં રહેતા હિરેન પટેલને તેમના નજીકમાં રહેતા મિત્ર પંકજ પંચાલની પત્ની સાથે મોબાઇલ પર વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજની આપ લે થઇ હતી. ગત ૨૫મી જુલાઇના રોજ પંકજ પંચાલ  એસ પી રીંગ રોડ પર હિરેનને કારમાં મસાલો ખાવાના બહાને લઇ ગયો હતો અને  નજીકમાં કાર ઉભી રાખી હતી. આ સમયે કારમાં પંકજનો એક મિત્ર પણ હતો. થોડીવાર પછી અન્ય કારમાં  પંકજનો સાળો ઉમંગ પંચાલ, રજની પંચાલ અને અન્ય એક વ્યક્તિ આવ્યા હતા. તેમણે મોબાઇલ પર મેસેજ કરવાની બાબતને લઇને હિરેનને ધમકાવીને લોંખડની પાઇપડંડા સાથે  તુટી પડયા હતા અને  બેરહેમીપૂર્વક માર માર્યો હતો. સાથે સાથે ઉમંગ પંચાલે તેની કાર હિરેન પર ચઢાવી હતી. જો કે કાર હાથ પરથી પસાર  થઇ હતી. આ બનાવને બાદ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ બનાવમાં હિરેનને ૨૩ જેટલા ફેક્ચર્સ અને ઇજાઓ પહોચી હતી.   જો કે નરોડા પોલીસે તેના પર જીવલેણ હુમલો કરનાર સામે હત્યાની કોશિષનો ગુનો નોધ્યો નહોતો. એટલું જ આ બનાવના એક મહિના યુવક હજુપણ સારવાર હેઠળ છે અને પોલીસ હજુએક પણ આરોપીને પકડી ન શકી હોવાનો આક્ષેપ નરોડા પોલીસ પર કરાયો છે. સાથે સાથે આ અંગે તપાસ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.

 


Google NewsGoogle News