દારૂનો ધંધો કરતા વિધર્મી યુવકે યુવતીને બદનામ કરવાનું કહીને દુષ્કર્મ આચર્યુ
યુવકે વિધર્મી હોવાનું કહી મિત્રતા કરી હતી
યુવતીએ સંબધ કાપતા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સોલા પોલીસે યુવતીની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી
અમદાવાદ,શુક્રવાર
શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી યુવતી સાથે હિંદુ હોવાની ઓળખ આપીને એક યુવકે મિત્રતા કરી હતી. જે બાદ લગ્નની લાલચ આપીને શારિરીક સંબધ બાંધ્યો હતો. જો કે એકવાર યુવકની દારૂ ભરેલી કાર ઝડપાઇ હોવાની સાથે યુવક વિધર્મી હોવાનું જાણવા મળતા યુવતીએ તેની સાથે સંબધ કાપી નાખ્યો હતો. તેમ છતાંય, યુવકને બંનેની અંગત ક્ષણોની વિડીયો બતાવીને બદનામ કરવાનું કહીને સંબધ બાધ્યા હતા. આ વાતની જાણ યુવતીએ કંટાળીને પરિવારજનોને કરી હતી. જેના આધારે સોલા પોલીસે કડીમાં રહેતા અલ્ફાઝ કાઝી નામના યુવક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે શહેેરના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતી યુવતી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. આશરે દોઢ વર્ષ પહેલા તેની મુલાકાત એક યુવક સાથે થઇ હતી. તેની સાથે મિત્રતા બાદ સંબધો આગળ વધ્યા હતા. જો કે એક દિવસ યુવતી યુવક સાથે મહેસાણા જઇ રહી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે યુવકનું સાચુ નામ અલ્ફાઝ હતુ અને તેની દારૂ ભરેલી કાર ઝડપાઇ હતી. આ વાતની જાણ થતા યુવતી ચોંકી ઉઠી હતી . તેની સાથે પ્રેમના નામે છેતરપિંડી થયાની જાણ થતા તેણે સંબધ કાપી નાખ્યા હતા. પરંતુ, અલ્ફાઝે તેને બંનેને અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને કડી બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ફરી એકવાર તે યુવતીને મળવા માટે અમદાવાદ આવ્યો હતો. પરંતુ, યુવતીએ મળવાનો ઇન્કાર કરતા તેણે ઘમકી આપતા યુવતી ડરી ગઇ હતી. તેણે સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા આ મામલે સોલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.